________________
બુદ્ધિમાન્ વણજારો ૦ ૨૭૩
હોય. આને પરિણામે પશુઓ અને માનવીઓ પાણી વિના મરણતોલ થઈ ગયાં હશે. એટલે તેમને એક એક કરીને આપણે ખૂબ મઝાથી ખાઈ શકીશું.
બાર ખવીસો સાથે પેલો મોટો ખવીસ ત્યાં વણજારાના પડાવમાં આવી પહોંચ્યો, અને જેમ માણસો ગાજર કે ચીભડાં ખાય છે તેમ તેણે એક પછી એક માણસ અને પશુના કોળિયા કરવા શરૂ કર્યા. તેની સાથે આ ઉજાણીમાં પેલા બારે ખવીસો પણ ભળી ગયા.
તેઓએ બધા માનવી અને પશુઓને જોતજોતામાં સફાચટ કરી નાખ્યા, તેમનાં હાડકાં ત્યાં જ ફેંકી દીધા અને તેઓ ધરાઈ-ધરાઈને ઓડકાર ખાતાખાતા પોતાને રહેઠાણે પહોંચી ઘોરવા મંડી પડ્યાં
માલસામાનથી ભરેલી પાંચસો ગાડીઓ એમ ને એમ પડી રહી અને પેલો વણજારો તેના આખા સંઘ સાથે પોતાની મૂર્ખાઈથી ત્યાં જ વિનાશ પામ્યો.
હવે પંદર દિવસ કે મહિનો થઈ ગયા પછી બોધિસત્ત્વ વણજારાએ એ જ રસ્તે વેપાર-વણજ માટે જવાનું નક્કી કર્યું, અને પોતે જે બધી તૈયારી કરી રાખી હતી તે પ્રમાણે તે પોતાના સાથીદારો સાથે સારો દિવસ જોઈને નીકળી પડ્યો. જે રસ્તે પેલો આગલો વણજારો ચાલ્યો હતો તે જ રસ્તે બોધિસત્ત્વ વણજારાએ પણ પોતાનો પ્રવાસ શરૂ કર્યો.
તે પણ એ જ રીતે પડાવ કરતો કરતો રસ્તામાં આવતી તમામ વસતીઓને પસાર કરી પેલા નિર્જલકાંતાર પાસે આવી પહોંચ્યો. કાંતારમાં પેસતાં પહેલાં તેણે પોતાના તમામ સાથીદારોને એકઠાં કરી સૂચના કરી કે “આવાં જંગલોમાં પાણીનું નામ નથી હોતું. માટે જ્યાં સુધી આપણે આ જંગલોમાંથી પસાર થઈ ધારેલે ઠેકાણે ન પહોંચી જઈએ, ત્યાં સુધી પાણીના એક ટીપાનો પણ કોઈએ દુરુપયોગ ન કરવો, વણખપનું એક ટીપું પણ ન ઢોળવું. બીજું, આવા જંગલમાં ખવીસો રહેતા હોય છે. તેઓ માનવી જેવો પોશાક પહેરી માણસોને પોતાના ફાંસલામાં ફસાવે છે. એટલે કોઈ પણ સાથીદારે મારા સિવાય કોઈ અજાણ્યા માણસનું કશું માનવું નહિ. બરાબર સાવચેતીથી એકબીજાની સંભાળ રાખવી અને તમામ બળદોને પણ બરાબર સંભાળવા, તથા આપણો માલસામાન બરાબર સચવાય તેમ જાગતા રહેવું.” આ રીતે તમામ સાથીદારોને ચેતવણી આપી બોધિસત્ત્વ વણજારાએ પેલા ઘોર નિર્જલકાંતારમાં પ્રવેશ કર્યો.
તે બધા થોડું આગળ ચાલ્યા, ત્યાં પેલા ખવીસો અને તેનો રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org