________________
ધર્માચરણની ભૂમિકા • ૨૬૧ તેથી સદાચારીની પરીક્ષા કોઈ દેશ, વેશ કે રંગ વગેરે ઉપર નિર્ભર નથી. એ તો પ્રત્યક્ષ વ્યવહાર અને આચરણ ઉપર નિર્ભર રહે છે. તેથી ગમે તે દેશનો ગમે તેવા વેશવાળો કે રંગવાળો મનુષ્ય સદાચારી હોઈ શકે છે. તો એવા સદાચરણી મનુષ્યોનો સહવાસ-સમાગમ આત્માર્થીને ધર્મનો અધિકાર મેળવવાની તૈયારીમાં ઘણો જ ઉપયોગી છે.
બીડીનું વ્યસન છોડનારે બીડી પીનારાઓની સોબત છોડવી જ રહી અને નહિ બીડી પીનારાઓની સોબતમાં વધારે આવવું રહ્યું. એને માટે પીનારા કરતાં નહિ પીનારા વિશેષ ઉત્તમ પ્રકારના છે. આવા સંગના અધિક પ્રસંગથી જ આત્માર્થીમાં જે સદાચરણોનો રંગ લાગવા લાગ્યો હોય તે વધારે દઢ અને સ્થિરમૂળ થવા લાગે છે.
આ સાથે દરેક આત્માર્થી અને ધર્મનો અધિકાર મેળવવાનો પ્રયાસ કરનાર માનવ પોતાનાં માતા-પિતાનો પૂજક હોવો જોઈએ. બીજા ગુણો કેળવવા સાથે માતાપિતા તરફનો આદર, ભક્તિભાવ અને તેમને પ્રત્યક્ષ પરમેશ્વર સમાન માનવાની વૃત્તિ જેમાં ન ઉદ્ભવે તેને આત્માર્થી કેમ કરીને કહેવો? અને એવો મનુષ્ય ધર્મનો અધિકારી થઈ જ કેમ શકે? યોગશાસ્ત્રો તે કહે છે કે માતાપિતાનો જે આવો પૂજક ન હોય અને દ્રોહી હોય તે આત્માર્થી હોઈ જ શકતો નથી, પછી તેના ધર્માના અધિકારી બનવાની વાત જ ક્યાં રહી? આ વિશે કોઈ પણ શાસ્ત્રનો મતભેદ નથી.
ઉપરના ગુણો કેળવવા સાથે નિંદનીય એવી કોઈ પ્રવૃત્તિ તરફ આત્માર્થીનું થોડું પણ વલણ ન હોવું જોઈએ, અને જો હોય તો તેને દૂર કરવા ભારે પ્રયત્ન કરવો જરૂરી છે.
જે જે યોગ્યતા ઉપર દર્શાવેલી છે, તે તમામ યોગ્યતા ત્યારે જ મેળવી શકાય, વા મેળવેલી હોય તો તે ત્યારે જ ટકી શકે, જયારે એ આત્માર્થી પોતાના વા પોતાના સ્વજનોના પોષણ નિમિત્તે એવી કોઈ પ્રવૃત્તિને વરેલો હોય કે જે પ્રવૃત્તિ દ્વારા ન્યાયપૂર્વક થતા ધનાર્જનની સહાયથી પોતાનો વ્યવહાર ચાલી શકતો હોય. એટલે, આત્માર્થી મનુષ્ય-ધર્મનો અધિકાર મેળવવા સાર નિષ્ક્રિય બની જાય અને પોતાના વા પોતાના સ્વજનોનાં પોષણની જવાબદારી અદા કરવામાં બેદરકાર રહેવા આળસ કરે તો જે ગુણો તેણે મેળવેલા હશે તે પણ બધા જ ફોગટ જવાના. એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગશાસ્ત્રકાર કહે છે કે ધર્મનો અધિકાર મેળવવા ઇચ્છતા આત્માર્થી ગૃહસ્થ ધનાર્જન કરવું જરૂરી છે, પણ તે ન્યાયને જ માર્ગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org