________________
૨૩ર - સંગીતિ
કહ્યું કે, “ચાલો તો પાંડવગુફા અને સિદ્ધગુફા બતાવું.”
એ ચેલો પોતે સાથે આવવા તૈયાર થયો. અમારી મંડળી આખી ચાલવા માંડી. આગળ ચેલો અને પાછળ અમે. કોઈ રસ્તો નહોતો, તેમ કેડી પણ નહોતી. જંગલી પહાડ ખૂંદતાં ખૂંદતાં ચાલવા લાગ્યા. સમય બપોરના ત્રણ પછીનો હતો. તાપ તો હતો, પણ ખુલ્લી હવાને લીધે શીતળતા હોવાથી તાપ તકલીફ કરે તેવો ન હતો. સારી રીતે જમેલા એટલે સૌને તરસ લાગી; પાણી સાથે નહિ લીધેલું. ચેલાને તરસની વાત કરી એટલે એ કહે,
અહીં પાણી મળવાનો સંભવ નથી. પણ ચાલો, અહીં એક નાનું એવું ઝરણ ટપકે છે. થોડું થોડું પાણી મળશે અને ગળું ભીનું થશે.” અમે બધા ચેલાની પાછળ પાછળ એ ઝરણા તરફ વળ્યા. ખરેખર તે જરા જરા ટપકતું હતું.
બધાએ ખોબે ખોબે થોડું થોડું પાણી પીધું. પછી પેલી ગુફાઓ જોવા અમે સૌ ચેલાની પાછળ ચાલવા લાગ્યા. કઈ ઋતુ હતી તે યાદ નથી, પણ અજવાળિયું પૂરબહારમાં ખીલ્યું હતું તે બરાબર યાદ છે. સાંજ પડવા આવી છતાં એક પણ ગુફા દેખાઈ નહીં, પણ ચેલો તો આગળ ને આગળ ચાલતો રહ્યો. પેલા ઝરણા પાસેથી તે ખરેખર રસ્તો જ ભૂલી ગયેલો. પણ તે કશું જ બોલ્યો નહીં અને જાણે રસ્તો ખોળતો હોય તેમ આગળ ચાલવા લાગ્યો. હવે તો ચંદ્રની જયોત્સા ખીલી નીકળી હતી અને અમે બધા પણ સમજયા કે ભૂલા પડ્યા છીએ. પણ જવું ક્યાં તેની કશી ખબર ન પડે. ચેલો અમારો નેતા એટલે એની પાછળ જ ચાલવું રહ્યું. રસ્તો તો ક્યાંથી હોય ? પણ કોઈ કેડી પણ નહીં. મોટા મોટા પથરા ઠેકવાના, ને બન્ને બાજુ સઘન છોડવા; તેમાંથી પસાર થતાં શરીર તો છોલાવા માંડ્યું અને કપડાં પણ ચિરાવા લાગ્યાં.
વચ્ચે ઊંચા ઊંચા પથરા આવે તે ઉપર ચડી જવાનું અને પાછું ઠેકીને નીચે ઊતરવું કે કૂદી પડવાનું. ક્યાંક ક્યાંક પાંચ પાંચ કે દસ દસ કે તેથીય વધારે ફૂટ ઊંચા પથરા ઊભા હોય. તેની ઉપર ધીરે ધીરે ચડવું અથવા છલાંગ મારીને ચડવું અને જે વેગે ચડડ્યા તે જ વેગે નીચે પડતું મૂકવું. ક્યાંક ક્યાંક સૂઈને ચાલવું પડે, કયાંક કયાંક બેસી બેસીને પણ ચાલવાનું આવે. આમ ને આમ રાતના અગિયાર વાગ્યા; પણ રહેઠાણનો પત્તો ન લાગ્યો. જમ્યા પછી એક જ વાર પેલા ઝરણામાંથી થોડાં ટીપાં પાણી મળેલું તે જ માફ. પછી તો ચાલ્યા જ કરવાનું આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org