________________
૩૦. જિજીવિષા
આજથી છંતાળીસ વરસ ઉપરની અનુભવેલી આ એક ઘટના છે. અમે સહકુટુંબ તે વખતે રાજકોટમાં ગરેડિયા કૂવા પાસેના એક લોહાણા ભાઈના મકાનમાં, રસ્તા ઉપર પડતા ભાગમાં ઉપરની ઓરડીમાં રહેતાં હતાં. રાજકોટમાં તે વખતે હું “શ્રી જિનાગમ પ્રકાશક સભા' તરફથી જૈન આગમ ભગવતીસૂત્ર'ના અનુવાદનું ને સંપાદન-સંશોધનનું કામ કરતો હતો. ભાવનગરવાળા શ્રી પ્રેમચંદ રતનજી શેઠ મારા સ્નેહી અને વિશેષ પરિચિત હતા. તેઓ તેમના જાણીતા કોઈ સાધુના સ્નેહયુક્ત પરિચયને લીધે ગિરનારની યાત્રાએ જતા હતા અને અત્યારે એ યાદ નથી કે સાધુએ તેમને નિમંત્રણ આપેલું કે તેઓ પોતાની મેળે ગિરનાર જવા તૈયાર થયેલા. સાધુનું ત્યાં મકાન હતું. એ મકાન ગોરખમઢી પાસે ઘણું કરીને હતું. શેઠ પ્રેમચંદભાઈ બાવા સાધુના સત્સંગી હતા અને ભજનના પણ રસિક હતા. એ બાવાજીનું નામ પણ ભૂલી ગયો છું. જ્યાં અમે ગિરનારમાં ઊતરેલા ત્યાં મુખ્ય સાધુજી અને તેમના શિષ્યો રહેતા હતા. બહુ આદર-સત્કારથી એ સાધુજીએ શેઠની અને તેમની સાથે આવેલા મિત્રોની બહુ સારી સરભરા કરી હતી. પ્રેમચંદ શેઠ, મુનિશ્રી જિનવિજયજી, હું અને શેઠનો રસોઈયો તથા નોકર એટલા જણા અમે એ પ્રવાસમાં હતા. સાધુજીએ ચૂરમાના લાડવા અને અડદની દાળનું શાક કરાવેલું. આ ઉપરાંત બીજાં શાકભાજી વગેરે પણ હતાં ખરાં. મારી ઉમર તે વખતે લગભગ ૩૧ વરસની. શરીર પણ સ્વસ્થ. વજન ૧૨૫-૧૩૦ની આસપાસ. ભોજનની સ્પર્ધામાં ઊતરી શકે ખરો. અમે સૌ સાથે બેસીને જમણ જમ્યા. થોડી વિશ્રાંતિ કરી. શેઠને પહાડમાં ફરવાનો અને નવું નવું જોવાનો પણ શોખ ખરો. ગિરનારની યાત્રા આ પહેલાં મેં એક વાર અત્યંત ભક્તિભાવે પગે ચાલીને કરેલી. પણ તેમાં માત્ર દેવદર્શન જ; જોવાનાં સ્થળો વિશે કોઈ માહિતી ન હતી. બાવાજીના ચેલાએ શેઠને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org