________________
૧૮૨ ૦ સંગીતિ
આ પછીના બીજા વાક્યમાં શરીરને ઢાંકવા વિશે સંતની વૃત્તિને બતાવતાં ભજનકાર જણાવે છે કે, સંત પુરુષો કોઈ કોઈ વાર તો શાલદુશાલા ઓઢતા હોય છે અને વળી કોઈ કોઈવાર ફાટલા ગાભાની ગોદડીઓ ઓઢીને ફરતા હોય છે. એમને શાલદુશાલા કે ફાટલા ગાભા સાથે સંબંધ નથી, માત્ર લોકલાજને માટે, મર્યાદા સાચવવાની દૃષ્ટિએ શરીરને ઢાંકવાનો જ મુખ્ય ઉદ્દેશ હોય છે; એટલે પછી સો-બસો રૂપિયાની શાલ મળી કે ડગલો મળ્યો વા કયાંય ફાટીટૂટી લીરે લબડતી ગોદડી મળી, તે બધું તેમને મન એકસરખું છે. - ત્રીજી કડીમાં અનુભવી ભજનિક ગાય છે, કે સંતપુરુષો કોઈ કોઈ વાર તો રંગમહેલમાં સૂએ છે અને કોઈ કોઈ વાર ભરવાડની ગલીઓમાં કે જયાં પશુઓનાં છાણમૂતર, લીંડી-લાદ વગેરે પડ્યું હોય, ત્યાં પણ મોજથી સૂએ છે. એમને મન રંગમહેલ હો કે ભરવાડની ઝોક હો, એ બન્ને સ્થળ એકસરખાં છે. માત્ર તેમને તો પોતાની સાધના માટે જરૂર પૂરતા વિશ્રામની અપેક્ષા છે, તે જ્યાં મળ્યો ત્યાં પૂરતો સંતોષ છે. પછી ભલે ને પાકાં આલિશાન મોટાં મોટાં મકાનોમાં રહેવાનું કે સૂવાનું મળે, વા ખેડૂતનાં ઝૂંપડામાં, લુહારની કોડોમાં કે મસાણમાં વા ભરવાડની ઝોકોમાં. બન્ને ઠેકાણે એની તો અંતરની સાધના ચાલતી જ હોય છે.
છેક છેલ્લી કડીમાં કવિ કહે છે કે જોગી, સંયમી, ફકીર, સંન્યાસી ગમે તે સંપ્રદાય કે ધર્મની છાપવાળો હોય, પણ તેની ચાલ અમીરની હોય છે; તેનામાં જરાય દીનવૃત્તિ નથી હોતી, જ્યારે જુઓ ત્યારે તેનું વદન પ્રસન્ન હોય છે અને સ્વાનુભવનો આલ્હાદ તેનામાં ભરેલો જ હોય છે. ભલે ને તે માંગી-તાંગીને ટુકડા ખાતો હોય, પણ જુઓ તો જાણે મોટો અમીર, શાહનો શાહ.
આખું ભજન પૂરતી સંતોષવૃત્તિ, અનાસક્તવૃત્તિ અને ત્યાગભાવની ભાવનાના ભાષ્ય જેવું છે. કોઈ પણ દેશનો, કોઈ પણ કાળનો, કોઈ પણ ભાષાને બોલનારો, કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની છાપ ધરાવનારો નવો આદમી કે જૂનો આદમી આ ભજનમાં કહેલી બાબતમાં મતભેદ ધરાવવાનો
નથી.
આ ભજન રચનારે મહાભારતનો અભ્યાસ કર્યો છે કે કેમ એ વિશે ભલે કાંઈ ન કહી શકાય, પણ મહાભારતના શાંતિપર્વના ૧૭૯મા અધ્યાયમાં આજગર અને પ્રહલાદનો જે સંવાદ આવેલો છે, તેમાં બરાબર અક્ષરેઅક્ષર ઉપરના ભજનનો જ ભાવ સમાયેલ છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International