________________
૨૧. એક ભજન ને મહાભારત
માનવની ભાષા ભલે જુદી જુદી હોય, માનવમાં દેશનો અને કાળનો ભેદ ભલે હોય, માનવનાં સાધનોય ભલે જુદાંજુદાં હોય અને માનવનાં ધાર્મિક યા સાંપ્રદાયિક કર્મકાંડોય ભલે ભાતભાતનાં હોય, છતાં માનવને જે એક અંતરંગ અનુભવ થાય છે તે એકસરખો હોય છે. અહિંસા વિશે લ્યો, સત્ય વિશે જુઓ; અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ બાબત લ્યો વા ત્યાગ વિશે જુઓ; તમામ સંતોનો એક જ અનુભવ છે, તમામ શાસ્ત્રોની એકસરખી વાણી છે. કુરાન હોય કે પુરાણ હોય, બાઇબલ હોય કે બુદ્ધવચન હોય, મહાવીરવચન હોય કે જરથુષ્ટ્રની વાણી હોય, કોઈ જૂનામાં જૂનું શાસ્ત્ર હોય કે અર્વાચીન વચન હોય, તમામમાં પાંચ સદાચાર વિશે એકસરખું વિવેચન મળે છે. તે જ રીતે કોઈ પણ સંતપુરુષ કે જે ભિન્ન દેશનો હોય કે એક દેશનો હોય, પ્રાચીન સમયનો હોય કે અર્વાચીન યુગનો હોય, તે બધાનો ત્યાગ વિશે એકસરખો અનુભવ હોય છે. કહેવાની, સમજાવવાની કે દાખલા-દલીલો આપવાની રીત ભલે ન્યારી ન્યારી હોય, પણ અનુભવ તો એકસરખો જ જણાવાનો. આ બાબત વધુ સ્પષ્ટ કરવા આ નીચે એક પંજાબી ભાષાનું ભજન ટાંકું છું, જે ભજન બહુ જૂનું જણાતું નથી, પણ છે કોઈ અનુભવી પુરુષનું. એના કર્તાના નામની જાણ નથી. એ ભજનમાં ફકીરોના સ્વભાવ વિશે ભજન બનાવનાર સંતનો પોતાનો માનુભવ શબ્દ શબ્દ નીતરે છે. ભજનમાં જે ભાવ બતાવેલો છે, તે જ ભાવ મહાભારતના બારમા શાંતિપર્વના ૧૭મા અધ્યાયે આબેહૂબ વર્ણવેલો છે. આ નીચે અનુભવવાણીરૂપ એ અર્વાચીન ભજન અને મહાભારતના શ્લોકો ટાંકી બતાવીને એ બતાવવાનું છે, કે અનુભવવાણીમાં દેશનું, કાળનું કે ભાષાનું અંતર નડતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org