________________
૧૬૪ • સંગીતિ
આ સવાલોના જવાબો મેળવવા ભૂતકાળના ઇતિહાસને અહીં થોડો ઉખેળવો પડે તેમ છે.
મહાવીર અને બુદ્ધ એ બન્ને ચીલાચાલુ પુરુષો નહોતા, પરંતુ સ્વતંત્રપણે વિચારક હતા. પરાપૂર્વથી જે ધર્મપ્રવાહ ચાલ્યો આવતો હતો તેમાં તે બન્નેએ વિશેષ પરિવર્તન આપ્યું હતું અને તેમના જમાનાની જે અનિષ્ટ રૂઢિઓ હતી તેમનો તે બન્નેએ સખત સામનો કરી, પ્રજાને નવી દિશાએ ચાલવાની પ્રેરણા આપવા સારુ, તેમણે બન્નેએ પોતપોતના સુવાંગ પ્રયોગો આરંભ્યા હતા. તેમાં તેઓ પાર ઊતર્યા એટલે તે પ્રયોગોને તેમણે લોકો સામે મૂક્યા, અને જે રીતે તેમણે એ પ્રયોગો આચરેલા તે રીતે લોકોને સમજાવી, અને તે પ્રમાણે વર્તવાની પ્રેરણા આપી. તે સમયના હજારો, લાખો લોકોએ એમની સૂચનાને માન્ય કરી એ પ્રયોગો પ્રમાણે જીવન ઘડવું શરૂ કરેલું, અને તેમાં ઘણા લોકો ઠીક ઠીક સફળ થયા અને પ્રજામાં તે પ્રયોગો આદર પામ્યા.
- હવે ખરી વાત તો એ છે કે તે પ્રયોગો પ્રમાણે જીવન ઘડવું અને તેમ કરીને વળી એમાં કાંઈ નવી શોધો કરી તેમાં વિશેષ સુગમતા લાવી એ પ્રયોગોને આગળ ચલાવવાના હતા. પણ તેમના જમાના પછીના જમાનામાં તેમ ન બન્યું અને પ્રજા તેમના તરફ અહોભાવની નજરે જોવા લાગી અને પોતાને આવા ઉત્તમ કોટિના પ્રેરકો મળ્યા જાણી અત્યંત પ્રભાવિત થઈને માત્ર તે બન્નેનાં ગુણગાન, પૂજા અને મહિમા કરવા લાગી. આ રીતે લગભગ પ્રજાનો મોટો ભાગ ભક્તિના પ્રવાહમાં તણાયો, એ બન્ને મહાપુરુષોએ જે નવા નવા અનુભવો કરી તે પ્રયોગોની શોધ ચલાવી આગળ વધારેલી અને તે રીતે પ્રજાનું જીવન ઘડવા અને તદનુસાર વર્તન કરવા પ્રયોગો બતાવેલા તે પ્રયોગો માત્ર સ્થાને સ્થાને પૂજાવા જ લાગ્યા અને તે તે બન્ને મહાપુરુષોનો જ મહિમા, પરોપકારીપણું, અસાધારણ ત્યાગ વગેરેના ગુણો ગવાવા લાગ્યા.
આમ થવું સ્વાભાવિક હતું. પણ આમ કરવા સાથે તે બન્ને મહાત્માઓની જીવનસરણીને અનુસરવાનું બળ મેળવવાનું હતું. પણ તે પ્રધાનપ્રવૃત્તિ ઢીલમાં પડી અને તે તે પુરુષોના અનુયાયી વિદ્વાન લોકોએ તે પ્રયોગોને શબ્દમાં ઉતારી તેમનાં જુદાં જુદાં શાસ્ત્રો રચ્યાં. આ પણ જરૂરી હતું, પણ ભક્તિના અસાધારણ આવેશમાં એ શાસ્ત્રોને માનનારાઓએ એ શાસ્ત્રોને માટે એવી મહોર મારી કે એ પ્રયોગોમાં હવે કાંઈ ઉમેરવા જેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org