________________
૧૨૬ : સંગીતિ
જણાવા લાગ્યું. આ વખતે તેને જે વિચારો આવ્યા તે આ પ્રમાણે હતા : સિદ્ધાર્થ ! તને આ શું થયું? તને કોઈએ પરાણે તો ભિક્ષુ મુંડ્યો નથી. રાજવૈભવોનો તે હસતે મોંએ ત્યાગ કરેલો છે, છતાં સૂગના આ ઘાતક સંસ્કારો હજુ સુધી તારા હૈયામાં ભરાઈ રહ્યા છે ? તે જ્યારે જયારે માણસ માણસ વચ્ચેનો ભેદભાવ જોયો હતો, ત્યારે તું કકળી ઊઠ્યો અને તે દૂર કરવા સારું તો તું મુંડ ભિક્ષુ થયો, અને હવે અત્યારે આ હલકી જાતોએ આપેલું અન્ન ખાવાનો પ્રસંગ આવતાં તારા મનમાં તે લોકો તરફ પ્રેમ ન પ્રગટતાં તને સૂગ આવવા લાગી છે? સિદ્ધાર્થ ! આવી ઘેલછા છોડ્યા વિના તું તારી શોધ કરી શકવાનો નથી. એટલે તારે જો ધ્યેયસિદ્ધિ કરવી હોય તો રાજાના ઘરના સુગંધી ચોખા અને આ હલકી જાતના લોકોએ આપેલી ઘંશ એ વચ્ચે ભેદભાવ ન ગણવો જોઈએ. આ ભેદભાવ ટળશે તો જ તને ધ્યેયસિદ્ધિ સાંપડવાની છે અને જે અર્થે તું ભિક્ષુ થયેલો છે તે પણ સફળ થવાનો છે. આવા સંકલ્પ-વિકલ્પો થતાં સિદ્ધાર્થે પોતાના મનને વિશેષ દૃઢ કર્યું અને એ વિવિધ પ્રકારનું પરસ્પર ભળી ગયેલું ભોજન તે હોંશેહોશે જમી ગયો.
જયારે ભિક્ષુ સિદ્ધાર્થ રાજગૃહના રસ્તાઓ ઉપર ફરતો હતો, ત્યારે રાજગૃહના રાજા બિંબિસારે (શ્રેણિકે, તેને જોયો અને તે તેનું રાજતેજ, પ્રતાપી વ્યક્તિત્વ, ખીલતું યૌવન, લાવણ્ય વગેરે જોઈને ભારે વિસ્મય પામ્યો. તેને લાગ્યું કે આ કોઈ રાજપુત્ર જ હોવો જોઈએ અને વખાનો માર્યો મુંડ થયો હોવો જોઈએ. તેની પ્રવૃત્તિ વિશે સમાચાર મેળવવા તેણે પોતાના દૂતોને તેની પાછળ-પાછળ મોકલ્યા. દૂતોએ આવીને રાજાને સમાચાર આપ્યા કે એ ભિક્ષુ પાંડવપર્વતની તળેટીમાં આવેલી એક ટેકરીની છાયામાં બેઠેલો છે. આ સમાચાર સાંભળી રાજા પોતે જ પગે ચાલતા-ચાલતો તે સિંહસમી મુદ્રાવાળા સિદ્ધાર્થ-ભિક્ષુ પાસે ગયો.
ભિક્ષુએ હજુ હમણાં જ ભોજન પતાવી લીધું હતું, ભિક્ષાપાત્રને ધોઈને તડકામાં તે પલાંઠી વાળીને પોતાના આસન ઉપર શાંત ભાવે બેઠો હતો.
૧. જૈન ગ્રંથોમાં રાજા શ્રેણિકનું બીજું નામ ભંભાસાર મળે છે. બૌદ્ધ ગ્રંથોમાં મળતું
બિંબિસાર અને આ ભંભાસાર એ બંને નામો તદ્દન મળતાં છે. ભંભા એ વિજયસૂચક વાજાનું નામ છે. રાજા શ્રેણિક ભંભાને વિશેષ સારરૂપ માનતા તેથી તેમનું ભંભાસાર નામ પડ્યું છે એવી કથા જૈન ગ્રંથમાં મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org