________________
૨ : અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા :
જિનપ્રવચન એટલે શું ?
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે ‘અવિવેક એ ભારે અંધતા છે અને એ અંધતાના યોગે નરકાદિ અને મિથ્યાત્વ આદિ અંધકારમાં અનેક આત્માઓ આથડે છે.' આ કહેવાનો આશય પણ એ જ છે કે ‘કોઈ પણ રીતે સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ વાત આપણને ટીકાકાર મહર્ષિએ પ્રથમ જ કહી દીધી છે. આ વાત કહ્યા પછી પણ પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ, સૂત્રકાર પરમર્ષિએ ફરમાવેલી કર્મવિપાકની ગરિષ્ઠતાને આપણે સહેલાઈથી સમજી શકીએ, એ માટે ચારે ગતિના જીવોની દશા વગેરેનું આપણને સારામાં સારું ભાન કરાવી ગયા. એ ઉપરથી આપણે સમજી ગયા કે ‘ચારે ગતિમાંથી એક પણ ગતિમાં સુખ નથી.' આ વાત જો હૃદયમાં બરાબર જચી જાય, તો આત્માને સહેજે નિર્વેદ થાય અને નિર્વેદના યોગે વૈરાગ્ય પણ આપોઆપ જ થાય. એ રીતની વિરક્ત દશા આવે, એટલે શ્રી જિનેશ્વરદેવની એકેએક આજ્ઞા રુચે. એ સિવાય તો અનંતજ્ઞાનીઓની આજ્ઞા રુચવી એ કઠિન છે.
‘દેવ અને મનુષ્ય ગતિમાં જે સુખ છે, તે પણ પરિણામે દુઃખરૂપ છે, એ સુખ પણ ક્ષણિક છે અને સંયોગજન્ય છે, માટે એમાં લેપાવું ન જ જોઈએ.’ એવી બુદ્ધિ થાય તો જ શ્રી વીતરાગ પરમાત્માનું ત્યાગમય પ્રવચન ગમે. શ્રી જિનેશ્વરદેવનું પ્રવચન જ એ કે જેને યોગે આત્મા દુનિયાના પદાર્થોની આરાધના અને આસક્તિથી પાછો વળે.
ભોગવે પણ આધીન ન બને :
કર્મને યોગે સંયોગ અને સંયોગને યોગે કર્મ, આ દશામાં જો આત્મા સંયોગને આધીન થયા જ કરે, તો એ ઘટમાળ ચાલુ જ રહે, પછી મુક્તિ થાય કચાંથી ? અજ્ઞાનાવસ્થામાં કર્મ તો બાંધ્યાં, પણ સજ્ઞાનાવસ્થામાં ઉદય આવે તો ફરજ કઈ ? સમ્યગ્દષ્ટિની અવસ્થા તો સજ્ઞાન કહેવાય જ ને ? આપણે કર્મના સ્વરૂપ તથા વિપાકને જ્ઞાનીઓના કથનથી સમજીએ છીએ, છતાં કર્મ બાંધતી વખતની જ અજ્ઞાનાવસ્થા કર્મના ઉદય વખતે પણ રહે, તો આપણે પણ અજ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org