________________
૭૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
-
116
ભગવાનના શિષ્ય ભિક્ષા માટે નગરીમાં આવ્યા. પોતાના સ્થાન પાસેથી જતા તે મુનિવરને બોલાવીને ગોશાલાએ તે મુનિવરને તિરસ્કારપૂર્વક કહ્યું કે –
“હે આનંદ ! લોકથી સત્કારને ઇચ્છતો તારો આચાર્ય વીર, સભા સમક્ષ મારો ઘણો જ તિરસ્કાર કરે છે, તે મને મંખપુત્ર તરીકે ઓળખાવે છે, અરિહંત તરીકે નહિ ઓળખાવતાં તેથી વિપરીત પણે ઓળખાવે છે અને અસર્વજ્ઞ તરીકે ઓળખાવે છે, પણ વિપક્ષને બાળી મૂકવામાં સમર્થ એવી મારી તેજલેશ્યાને તે જાણતો નથી, પણ તેને હું તેના પરિવારની સાથે ભસ્મીભૂત કરી નાખીશ અને એક તને જ જીવતો છોડીશ.”
આ પ્રકારનું ગોશાળાનું કથન સાંભળીને તે “આનંદ મુનિવર ભિક્ષા પણ પૂરી લીધા વિના એકદમ પ્રભુ પાસે પહોંચ્યા અને ગોશાળાએ કહેલું સઘળું કહીને શંકિત થયેલા તે મુનિવરે પ્રભુને પ્રશ્ન કર્યો કે -
ભગવન્! ગોશાળે કહ્યું કે હું તારા આચાર્યને તેના પરિવારની સાથે ભસ્મીભૂત કરી નાખીશ” એ તેનું કથન ઉન્મત્તના કથન જેવું માનવું કે, તેનામાં તેવું કરવાની શક્તિ છે, એમ માનવું ?
આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ફરમાવ્યું કે –
“શ્રી અરિહંત ભગવાનો સિવાયના ઉપર તે તેમ કરવાને શક્તિમાન છે અને અનાર્ય બુદ્ધિનો ધણી તે શ્રી અરિહંત ભગવાનને પણ સંતાપ માત્ર તો કરે, એ જ કારણે તું જા અને ગૌતમ આદિ મુનિઓને એ ખબર આપ કે જેથી તેઓ અહીં આવેલા એને ધર્મશીલ પ્રેરણાથી પણ પીડા ન કરે.”
આ વાત “શ્રી ગૌતમસ્વામીજી આદિને “શ્રી આનંદ મુનિવરે કહી, તેટલામાં તે ગોશાલો ત્યાં આવ્યો અને પ્રભુની સન્મુખ ઊભો રહીને બકવા લાગ્યો કે -
હે કાશ્યપ ! તું એમ બોલે છે કે “ગોશાલો મખલિનો પુત્ર છે અને મારો શિષ્ય છે.” તો એ તારું કથન ખોટું છે, કારણ કે તારો શિષ્ય જે ગોશાલો હતો તે તો ધર્મધ્યાનમાં મરીને દેવલોકમાં ઉત્પન્ન થયો અને હું તો “ઉદાય” નામનો ઋષિ છું, પણ મેં મારા શરીરનો પરિત્યાગ કરીને ઉપસર્ગો અને પરીષહોને સહવામાં સમર્થ એવા એના શરીરમાં પ્રવેશ કર્યો છે, માટે મને ઓળખ્યા વિના તું શા માટે મને મખલિનો પુત્ર અને પોતાનો શિષ્ય કહે છે ? ખરેખર, તું મારો ગુરુ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org