________________
૨૩૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
-
1316
શકાય કે જ્યારે કર્મના વિપાકને આધીન ન થવાય. કર્મના ઉદય વખતે સમભાવે રહેવાય તો જ ધર્મનું આરાધન થાય; અર્થાત્ નિર્વેદ આવે નહિ અને વૈરાગ્ય હૃદયમાં વસે નહિ ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવનો ધર્મ સ્પર્શતો જ નથી; આ કારણે કર્મ શું છે, એનો વિપાક શું ચીજ છે, વિપાકના ઉદય વખતે શું હાલત થાય છે, એ વગેરે કાળજીપૂર્વક સાંભળવું, વિચારવું અને વિચારીને યોગ્ય વર્તન કરવું જોઈએ; છતાં પણ કહો કે જીવ અજીવનું સ્વરૂપ, આશ્રવ અને સંવરના હેતુઓ, સ્વ શું અને પર શું, હું કોણ અને આ બધું શું, આત્મા શું અને આત્માનો ધર્મ શો, જડ શું અને ચેતન શું, એ જાણનાર આજે કેટલા ? ખરેખર આ જાતના વિચારો જ મોટા ભાગને નથી આવતા; આજે તમે સ્વ અને પરના સ્વરૂપને નથી સમજી શકતા, મિત્ર અને દુશ્મનની પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યા છો. આત્મા પોતાના સ્વરૂપને સમજી જાય તો પારકાની તાકાત નથી કે તેને ફસાવી શકે. આ બધા વિચારો રોજ રાત્રિદિવસ જાગ્રત રહેવા જોઈએ. કેવળ દુનિયાદારીના વિચારોમાંથી ઊંચા આવવું નહિ અને શ્રી જિનેશ્વરદેવનો ધર્મ આરાધવો એ ખરે જ અસંભવિત છે; માટે કર્મના જ ભોગવટામાં લીન નહિ થતાં પ્રભુઆજ્ઞાની આરાધનામાં રત થવું એમાં જ સાચી બહાદુરી છે. નરકમાં પણ શાંતિ કોણ આપે ?
નારકના જીવો નારકીમાં ઉત્પન્ન થતાની સાથે તેમાંથી નીકળવાનાં જ ફાંફાં માર્યા કરે છે. ખરાબમાં ખરાબ આયુષ્ય હોય તો તે નારકનું જ છે. બીજી ગતિના જીવો પ્રાયઃ મરવા ઇચ્છતા નથી પણ નારકીઓ તો મરવાને જ ઇચ્છે છે. નારકીનું ઓછામાં ઓછું આયુષ્ય દસ હજાર વર્ષનું હોય છે. ગમે તેટલા મરવાના પ્રયત્ન કરે તો પણ આયુષ્ય જ એવું છે કે ભોગવ્યે જ છૂટકો અને બહુ નાનામાં નાનું બાંધ્યું હોય તો પણ દસ હજાર વર્ષ તો ખરાં જ; ત્યાં રહેલા જીવોને એક ક્ષણભરની પણ શાંતિ નહિ. ત્યાં પણ શાંતિ આપનાર કોઈ હોય તો શ્રી જિનેશ્વર ભગવાનના શાસનમાં વર્ણવાયેલું તત્ત્વજ્ઞાન જ છે; એ જ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે આત્માના સ્વરૂપની બરબાદી ન કરવી હોય તો કર્મના વિપાકને આધીન ન થાઓ, પણ એના ભોગવટાના સમયે પણ એને આધીન નહિ થતાં અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા તત્ત્વજ્ઞાનના ચિંતવનમાં રત બની આત્માના સમભાવને સારામાં સારી રીતે કેળવો; એટલે નરક જેવા ભયંકરમાં ભયંકર સ્થાનમાં પણ સાચી શાંતિનો સાક્ષાત્કાર ઘણી જ સહેલાઈથી કરી શકશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org