________________
૨૨૬
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ ––
1812
વીતરાગ પરમાત્માની મૂર્તિ પ્રત્યે, એ તારકના મુનિ પ્રત્યે અસ્થિમજ્જા રાગ જોઈએ. એ તારકના માર્ગ માટે રોમરોમ રાગનું પરિણમન હોય. ભગવાન શ્રી મહાવીરદેવનું નામ શ્રવણ કરતાં શ્રેણિક મહારાજાની રોમરાજી વિકસ્વર થતી. એ પુણ્યાત્માની ભક્તિ કેવી !
મારવાડ દેશમાં ચોરની-લૂંટારાની જાતના જ વળાઉ રાખવામાં આવે છે, જેને મેણા કહે છે. શાહુકાર મેણા સાથે ચાલતાં શોભે ? એ એની આજ્ઞા મુજબ ચાલે ? હા ! ન ચાલે તો લૂંટાઈ જાય. એ સાથે ન હોય તો એ જ લૂંટે. એને આઠ આના આપી સાથે લેવામાં આવે છે. એનો હેતુ એ છે કે એની જાતના લૂંટારા લૂંટી શકે નહિ. જે રાગ લૂંટી રહ્યો છે તે શ્રી જિનેશ્વરદેવના શાસન પ્રત્યે થાય તો તે વળાઉ છે. વળાઉ સાથે રહે, દુશ્મનથી બચાવે અને હદ આવે એટલે પાછો વળે. તેવી રીતે પ્રશસ્ત કષાય, રાગ વગેરે અયોગ્ય કાર્યવાહીથી બચાવે અને આત્મા નિર્મળ થાય કે એ આપોઆપ પાછા વળે.
વિતરાગ દશા નથી આવી ત્યાં સુધી ધર્મરક્ષા માટે, આત્મરક્ષા માટે, પ્રશસ્ત કષાયો હેય કોટિના નથી, પણ અત્યંત જરૂરી છે. શ્રી દશાર્ણભદ્ર રાજાનું અભિમાન પ્રશસ્ત હતું પણ મારાપણાનો ઊંહકારો અપ્રશસ્ત હતો. અયોગ્યને સુધારવાની લાલાશમાં વાંધો નહિ પણ હૈયામાં કાળાશ થાય તો જરૂર ડાઘ લાગે. વળાઉને પણ રાજી રખાય, સારું ખાવા અપાય પણ માલ ન દેખાડાય, હીરા માણેક ને પન્નાની થેલી ન બતાવાય, નહિ તો એ જ વળાઉ જરાક છેટે જઈ લૂંટે અગર લૂંટાવે. વાઘ કે સિંહના બચ્ચા પાળનારા માલિકો પોતાનાં શરીર એમને ચાટવા ન દે. કેમ કે જાણે કે દાંત બેઠા અને લોહી ચાખે તો એ પ્રાણી સ્વજાતિનો ભાવ ભજવ્યા વિના ન રહે. આથી જ પરમોપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓ ચેતવે છે કે પ્રશસ્ત કષાયોને પણ મતલબ પૂરતા જ રાખવાના છે માટે એને પણ આધીન ન થતા. આધીન થનારનો આ શાસનમાં પક્ષપાત નથી.
જેનું પરિણામ સારું તેને પ્રશસ્ત સમજો અને જેનું પરિણામ ખોટું તે પ્રશસ્ત દેખાતા હોય છતાંય અપ્રશસ્ત સમજો. અભવ્યનું સંયમ સુંદર છતાં શાસ્ત્રકારે અનર્થકર નિષ્ફળ પ્રાય: કહ્યું, કારણ કે તે પૌગલિક લાલસાઓથી ભરેલું જ છે, આથી જ નિર્વેદ તથા વૈરાગ્ય વિના ધર્મ પામી શકાતો નથી અને પાળી શકાતોય નથી, એ જ કારણે સૂત્રકાર પરમર્ષિ સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય તે માટે કર્મના વિપાકનું વર્ણન કરે. એ વિપાકનું વર્ણન કરતાં સૂત્રકાર પરમર્ષિ અને ટીકાકાર મહર્ષિ શું શું ફરમાવે છે એ આપણે હવે પછી જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org