________________
૧૧ : જાતના ભોગે શાસનરક્ષા
સંસારરાગ હોય ત્યાં ધર્મરાગ ક્યાંથી હોય ?
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંક સૂરિજી મહારાજા ફરમાવે છે કે નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરવા સૂત્રકાર મહર્ષિ હજી આગળ બીજા સૂત્રથી એ જ કર્મવિપાકનું વર્ણન કરે છે. સામાન્ય રીતના પણ નિર્વેદ તથા વૈરાગ્ય વિના ધર્મની પ્રાપ્તિ કઠિન છે. જે વસ્તુ ભયંકર છે, એના પ્રત્યે નિર્વેદ ન થાય અને એના ઉપરથી રાગ કમી ન થાય, ત્યાં સુધી ધર્મની પ્રાપ્તિ થાય નહિ અને નિર્વેદ તથા વૈરાગ્ય થયા વગર આ શાસનમાં ટકી શકાય નહિ.
અનાદિકાળથી જેને સેવીએ છીએ, તેને છોડાવનારું આ શાસન છે. જેના પર મમત્વ છે તેને છોડાવનારું આ શાસન અનેરું છે. જ્યાં સુધી સામાન્ય પણ નિર્વેદ ન થાય, અંશે પણ વિરાગ ન થાય, દુનિયાના પદાર્થોમાંથી મારાપણાની બુદ્ધિ ન જાય, એ અનર્થ કરનાર છે એમ ન સમજાય, ત્યાં સુધી પ્રભુના શાસનમાં ટકી શકાય નહિ. સમ્યગ્દષ્ટિથી લઈને સર્વવિરતિ સુધી અથવા સર્વવિરતિથી લઈને સમ્યગ્દષ્ટિ સુધી બધે જ છોડવાની જ વાત છે. આ શાસનમાં વાત જ છોડવાની છે. હવે વિચારો કે જેનામાં સામાન્ય રીતનો પણ નિર્વેદ કે વૈરાગ્ય નથી, એનાથી એ પદાર્થો છોડાય શી રીતે ? જે એને – ખોટાને ખોટું માનતો નથી કે ખોટા ઉપરથી રાગ છોડતો નથી, તે એ પદાર્થોને શી રીતે છોડી શકે ? જે શાસનને જ આથું મૂકે છે, પ્રભુની આજ્ઞાને જ અવગણે છે, તેની તો વાત જ નથી કરવાની. એ બિચારાઓ તો છોડવા યોગ્યને છોડી શકે જ શાના ?
સામાન્ય પ્રકારના પણ નિર્વેદ તથા વૈરાગ્ય વિના, અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવની વાણી પર પ્રેમ થવાની તથા શ્રી જિનેશ્વરદેવમાં તારકપણાની બુદ્ધિની આશા સ્વપ્ન પણ ન રાખતા. સ્ટીમર કોને કામની ? જેને સ્થાન છોડવાની ભાવના હોય એને ને ? જેને સ્થાન છોડવું ન હોય અને બંદરે પહોંચવું ન હોય, એને સ્ટીમર શું કામની ? એ જ રીતે જેને સંસારરૂપ સાગરને તરવો ન હોય અને મુક્તિરૂપ બંદરે પહોંચવું ન હોય, તેને આ સ્ટીમર શા કામની ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org