________________
૧૨૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
એવા કે સંસારમાં જેનો નમૂનો નહિ. આ દશામાંથી બચવાનો ઉપાય એક જ છે કે દુ:ખના સંયોગને ભોગવી લેવા પણ આધીન ન થવું. સારા-નરસા સંયોગોને આધીન ન થવું, એ જ બચવાનો એક ઉપાય છે. સંયોગોને એવા કેળવો કે એક ભવના સુધારા સાથે અનેક ભવનો સુધારો થાય. લાખ મળે છતાં, અગર લાખ વગર પણ શાંતિ રાખવી, તે આત્માને પોતાને આધીન છે. લાખ મળવા કે નહિ, ટકવા કે નહિ તે કર્મને આધીન, પણ મળો યા ન મળો, ટકો યા ન ટકો, છતાંય સમાધિમાં રહેવું એ આત્માને આધીન છે. સમ્યગ્દષ્ટિ આત્માને લાખ આવે તેની પરવા ન હોય, અને જાય તેની ભીતિ ન હોય. પરાધીન સુખને ટકાવવાની તાકાત આત્માની નથી અને તે ઇચ્છવા જોગ પણ નથી. સાહ્યબી મળવી કે જવી તે શુભ તથા અશુભોદયને આધીન છે, પણ એ બેય પ્રસંગે સુખી કે દુ:ખી ન થવું તે આત્માને આધીન છે.
છતી સાહ્યબીએ જેમ સુખ ભોગવનારા છે, તેમ દુઃખ ભોગવનારા પણ છે અને આપત્તિમાં જેમ દુઃખ માનનારા છે, તેમ સુખ માનનારા પણ આ વિશ્વમાં છે. શાસ્ત્રકાર કહે છે કે એવી તાકાત કેળવો કે સંપત્તિ તેમ જ આપત્તિ વખતે આત્મા સમાન કોટિનો થાય. કર્મના ઉદય સાથે બેઠા કે માર ખાધો સમજો. કર્મના ઉદયથી મળતી સામગ્રીને જે પુદ્ગલલીલા માને તે આત્માને કર્મ દબાવી ન શકે. એ આત્મા ઉપર જરા પણ એ કર્મોદયની અસર ન થાય.
1206
સભા : શું બાહ્ય નિમિત્તથી દીનતા ન થાય ?
જે બાહ્ય નિમિત્તને આધીન ન થાય, તેને દીનતા ન થાય. દાતારને ત્યાં યાચક પણ માગવા જાય અને મુનિ પણ જાય. યાચકને ન આપે તો તે દીન થાય, પણ ન આપવાથી મુનિ દીન થાય ? નહિ જ, કારણ કે યાચકમાં દીન થવાની કુટેવ છે, પણ મુનિમાં તેવી કુટેવ નથી. માગવું તો બેયને સરખું છે, પણ મુનિને તો દેનાર ન દે, એટલું જ નહિ પણ ધક્કો મારે કે ગાળ દે તો પણ એ તારકની પ્રસન્નતા તો એની એ જ રહે. પણ પેલો યાચક તો માગતાં અન્નદાતા કહે અને ન આપે તો મોઢું બગાડે, રુએ, ગાળો દે, બધું કરે. નિમિત્ત તો બેયને સરખાં છે, છતાંય ગાળ દેવાથી ભિખારી ગુસ્સે થાય પણ મુનિ ન થાય, કારણ કે ભિખારી રોટલાને આધીન છે અને મુનિ રોટલાને આધીન નથી. મુનિ તો માને છે કે ‘મળે તો સંયમપુષ્ટિ છે અને નહિ મળે તો તપોવૃદ્ધિ છે : મળે તોયે લાભ છે અને ન મળે તોયે લાભ છે.’ આ માન્યતાને લઈને મુનિને દીનતા આવતી નથી.
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org