________________
૬ : માથે કોને રાખવા, કોને ન રાખવા ?
સમ્યક્ મોહનો ભયંકર નશો !
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા અને ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે જે જીવો કર્મના ભારથી ભારે થયેલા છે, તેઓ જેનાં મૂળ ઊંડાં ગયાં છે તેવાં વૃક્ષોની માફક, વિષયાસક્તિને લઈને ગમે તેટલી આપત્તિ આવવા છતાં પણ, સકળ દુઃખના સ્થાનરૂપ ગૃહસ્થાવાસને છોડી શકતા નથી. આપત્તિ વખતે શોક કરે, વિલાપ કરે, પશ્ચાત્તાપ કરે, રુએ, રાડો પાડે, ચીસાચીસ કરી મૂકે, પણ ત્યાંથી છૂટવાની ભાવનાએ નહિ, કેમ કે વિષય ઉપરની મમતા ધણી જ મજબૂત છે. વિષય પર પ્યાર એટલો મજબૂત થયો છે કે ગમે તેટલી આપત્તિ આવે તો તે સહે પણ ખસતા નથી, એને લઈને રિબાય છે, અને અનેક રોગોથી પણ પીડાય છે. વિષયો, વિષયોની આધીનતા અને એમાં લીનતા એ વ્યાધિને ખેંચે છે. એનાથી વ્યાધિઓ ચાલી આવે છે. એ વ્યાધિઓથી રિબાય, પીડાય, દુર્બાન કરી પરિણામે દુર્ગતિએ જાય, એ બધું સહન કરે પણ વિષયનો સંગ છોડવાનું કહો તો ના જ પાડે.
શ્રી તીર્થંકરદેવ જેવા દેશક છતાં પણ વિષયને આધીન થયેલા કર્મગુરુ જીવો વિષયનો સંગ છોડવા તૈયાર થતા નથી. કોઈ કોઈ આત્માને સહજ અસર પણ થાય, જરા મૂંઝવણ પણ થાય, છતાં ભયંકર આસક્તિને લઈને તે બિચારા છૂટી શકતા નથી. વિષયની માનસિક પીડા અને શારીરિક વ્યાધિ તો પ્રત્યક્ષ છે અને પરિણામ ભૂંડું તો માનવું જ પડશે, કારણ કે જેવું બીજ વવાય તેવું ફળ તો મળે જ. અયોગ્ય કાર્યવાહીનું ફળ જ નહિ મળે, એવું તો કોઈ જ વિવેકી ન માને ! પણ પ્રત્યક્ષ દુ:ખનેય જે આત્મા ન દેખે કે ન પરખે, તેને પરોક્ષમાં શ્રદ્ધા કરાવવી એ કામ કંઈ ઓછું કઠિન નથી : પણ એવી દશા સમ્યગ્દષ્ટિ આત્માની ન જ હોય. ‘વિષય એ દુઃખનું સાધન છે.’ - એમાં સમ્યગ્દષ્ટિને કેમ જ શંકા હોય ? વિષયના અનુભવીને, વિષયના સહવાસમાં રહેનારને પણ એમાં શંકા ન હોય તો સમ્યગ્દષ્ટિને તો કેમ જ હોય ? પણ આજે તો કમનસીબે ડાહ્યા ગણાતાઓને પણ એમાં જ શંકા છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org