________________
૫: સુખ, સંસારનું અને મોક્ષનું
વિષયજન્ય સુખ દુઃખનાં કારણ છે ઃ
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ શ્રી આચારાંગ સૂત્રની પીઠિકા કરતાં પહેલાં, મંગલાચરણમાં કહ્યું કે, શાસન જયવંતુ વર્તે છે કારણ કે, આ શાસન એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી આપતું, ને એક પણ સુંદર વિચારને અવગણતું નથી સેવનારને એ નિયમા મુક્તિ આપે છે : સઘળી અપેક્ષાએ સિદ્ધ થયેલા એના સિદ્ધાંતો છે માટે જ એ શાશ્વત છે, અનુપમ છે, અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે.
આ આચારાંગ શાસ્ત્ર ભગવાન શ્રી મહાવીરદેવે, કેવળ જગતના હિત માટે કહ્યું છે. એને આધીન રહીને જે કાંઈ કહેવાનું છે તે હું કહું છું, આ સિવાય બીજું બહારનું કાંઈ જ કહેવાનું નથી.
પીઠિકા કરતાં ટીકાકાર કહે છે કે, આ સંસારમાં રાગ, દ્વેષ અને મોહથી પરાભવ પામેલા , એથી જ શારીરિક અને માનસિક અનેક પીડાઓથી પીડાતાં સઘળાં પ્રાણીઓએ, દુઃખનો તથા દુઃખના હેતુભૂત રાગ, દ્વેષ અને મોહનો નાશ કરવા માટે, હેય એટલે તજવા યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો જોઈએ.
આ પૂર્વેનાં પ્રવચનોમાં સમજાવી ગયા કે જેને દુઃખ ન જોઈએ, તેણે સંસાર ઉપર પણ ચાહના ન રાખવી જોઈએ, કેમ કે સંસાર એ દુઃખમય છે એનું ફળ પણ દુઃખ છે અને એની પરંપરા પણ દુઃખની છે. સાચા સુખનો અર્થી સંસારને ઇચ્છે એ બનવાજોગ નથી. નાનામાં નાનો પણ ધર્મ, સંસારની અસારતા સમજાયા વિના, સંસારની અસારતા હૃદયમાં લાગ્યા વિના, ધર્મ તરીકે પરિણામ પામતો નથી. નાનામાં નાનું દાન દેવું, થોડામાં થોડું શીલ પાળવું, નહિ જેવો પણ તપ કરવો-આ બધું શાના માટે ? સંસારથી છૂટવા માટે જ. એ ભાવના વિનાનો દાન, શીલ, તપ વગેરે ધર્મ, આત્મા જે ઇચ્છે છે તે આપી શકતો નથી : કારણ કે, આત્માની ઇચ્છા શાશ્વત સુખ મેળવવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org