________________
૯૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
–
૩૦૭
વૃદ્ધ સાસુ અને વહુ બે હતાં. સાસુ ગભરાણી, પણ વહુએ કહ્યું કે, તમે તમારે બેસી રહો, હું તેને પહોંચીશ ! હું નહિ થાકું. એને હું છોડું નહિ : જતી પણ ન કરું અને ફરીને કોઈ સાથે લડે નહિ એવી બનાવીશ. એ વહુ કામ લઈને બેઠી. પેલી આવી અને ખૂબ જોરશોરથી બોલવા લાગી, થાકી, એટલે વહુએ અંગૂઠો બતાવ્યો. મતલબ - ‘થાકીને !' - એવું સૂચવવા અંગૂઠો બતાવ્યો. પાછી પેલી ઊછળી ઊછળીને ખૂબ બોલી. ફરી થાકી એટલે પેલી વહુએ ફરી અંગૂઠો બતાવ્યો. સામાને થકવવાની આ રીત છે. સામો પ્રવૃત્તિમાં જોડાયેલ હોય ત્યારે વિશ્રાંતિ, એ પણ તૈયારી માટે છે - એ ડહાપણ છે. સામાને તો વિશ્રાંતિ આપવી જ નહિ, એટલે એ જ થકવવાની રીત છે. પેલી લડનારી બાઈ એક વાર, બે વાર, ચાર વાર, છ વાર કયાં સુધી બોલે ! બે કલાક-ચાર કલાક બોલે, પણ પછી તો થાકને ! કારણ કે એને વિશ્રાંતિ જ નહિ. એટલે થાકીને એણે જવા માંડ્યું, વહુ કહે કે જાય છે
ક્યાં ? લડ, હું સામે બેઠી છું. નહિ તો ચાલ રાજમાં. આખરે પેલીએ હવેથી કોઈની સાથે નહિ લડવાનું કબૂલ કર્યું. - આ ન્યાયે આત્મા જડને આધીન છે, પણ જો આત્મા ચેતે તો બસ.
જડમાં પણ બહુ શક્તિ છે. હીરો એ જડ છે, પણ આત્માને એ જડ હીરો આકર્ષે છે. મુનિ હીરાથી નહિ ખેંચાય અને ગૃહસ્થ ખેંચાય, કારણ કે, મુનિએ પુદ્ગલની આધીનતા તજી છે અને ગૃહસ્થ પુદ્ગલની આધીનતા તજી નથી. એ જડ વસ્તુ, ચેતનવંતા આત્માને ખેંચે, રોવડાવે, પિટાવે, કજિયા કરાવે, એનું કારણ ? જડની આધીનતા-શક્તિ બેયમાં છે, પણ જડની શક્તિ જુદી અને ચેતનની શક્તિ જુદી. ચેતન જો ચેતનવંત બની જાય, તો જડ પાંગળું. જે શરીર ભોગનું સાધન, તે જ શરીર ત્યાગનું સાધન થઈ શકે. જે શરીર આત્માને સાતમીએ લઈ જાય, એ જ શરીર આત્માને મુક્તિએ પણ લઈ જાય. જડની સેવામાં પડેલો આત્મા તે જડને આધીન કહેવાય. જો જડ પોતાનું બને તો પોતે માલિક.
મન, વચન અને કાયા, - આ ત્રણે યોગ છે આપણા. “આપણા છે' - એમ આપણે કહીએ પણ ખરા, પણ જો વિચારીએ તો આપણે એ ત્રણેના ગુલામ બન્યા છીએ. જંગલી ઘોડા મજાના, લાંબા, પહોળા, ઊંચા, કદાવર હોય પણ લગામ વિનાના. એવા ઘોડા પર સવાર થનારને એ ઘોડા ખાડામાં પાડી નાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org