________________
૧૩ઃ મૌન ન રહે છતાં મુનિ
મુનિ મૌન ધરે તે કેવું?
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંક સૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં તીર્થની સ્તુતિ કરે છે અને એમાં તીર્થની પ્રશંસા કરતાં એમ ફરમાવી ગયા કે “આ તીર્થ જયવંતુ વર્તે છે : કારણ કે એક પણ અયોગ્ય વિચારને એમાં સ્થાન નથી અને એક પણ સદ્વિચારનો એમાં ઈનકાર નથી : એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવી રીતે સિદ્ધ થયા છે કે એને સુયોગ્ય રીતે સેવનાર આત્મા, અવશ્ય કર્મમળથી રહિત થઈ મુક્તિપદ પામે છે અને એટલા માટે જ એ શાશ્વત છે, જગતમાં એની કોઈ જોડી નથી અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી આદિમાં નમસ્કાર કરાયેલું છે ? આ આચારશાસ્ત્ર ભગવાન શ્રી મહાવીરદેવે જગતના હિતને માટે કહ્યું છે.” આ આચાર બતાવ્યા એમાં કેવળ પ્રાણીમાત્રનું હિત સમાયેલું છે : કોઈ પણ પ્રાણીનું એનાથી અહિત નથી : એ આચારોને અમલમાં ઉતારવા ઘણી તકલીફ વેઠવી પડે તેમ છે, પણ આચારોને અમલમાં મૂક્યા વિના સિદ્ધિ થઈ શકે તેમ નથી.
આપણે અહીં છઠું “ધૂત' નામનું અધ્યયન વાંચવું છે. એ ધૂનનની યોગ્યતા આવે, તે હેતુથી પ્રથમ પ્રાર્થનાસૂત્રની વિચારણા ચાલે છે. હંમેશાં જે પ્રાર્થના કરીએ છીએ-જે માગણી કરીએ છીએ, તેમાં જે ભાવના છે તે સમજી શકીએ, તો વસ્તુ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે.
હે ભગવાન ! તારો જય હો, તારી જયમાં અમારી જય છે, તારા પ્રભાવથી હો..-આ રોજની પ્રાર્થના ! શું હો ? ભવનિર્વેદ ! “જ્યાં સુધી ભવનિર્વેદ નથી, ત્યાં સુધી વાસ્તવિક રીતે મોક્ષમાર્ગમાં પ્રયત્ન કરી શકાતો નથી” માટે જ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા લખે છે કે “જ્યાં સુધી ભવનિર્વેદ નથી ત્યાં સુધી ભવનો પ્રતિબંધ કાયમ રહે અને ભવનો પ્રતિબંધ કાયમ રહે ત્યાં સુધી મોક્ષમાર્ગ માટે કરાતો યત્ન તે વસ્તુતઃ મોક્ષ માટેનો યત્ન જ નથી.'
સભા : નિર્વેદનો પર્યાય શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org