________________
૧૫૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
158
સાધુ રોજ ઉપદેશ દે, છતાંયે કાળાના ધોળા થાય ત્યાં સુધીયે કંઈ ન થાય ? જે પ્રત્યેક ક્રિયાથી ત્યાગ અને વૈરાગ્યના ઝરા છૂટે, ત્યાં મરતાં સુધીયે વૈરાગ્ય ન થાય એ બને ? વીતરાગના ભક્તને વૈરાગ્યનો સંબંધ કેમ નહિ ? આ તો જમતાં રોટલી, શાક, અને ચટણી વગેરેમાં ગુલતાન : પછી વેપારમાં પણ પ્રવીણ : અને બધા વિષયમાં લીન : એમાંથી પરવારે ત્યારે આ વિચારે ને ! ચાર મહિના માટે પણ બ્રહ્મચર્યનું સેવન કરવાનું વ્રત કેટલાએ લીધું ? વર્ષાઋતુ અને તેથી જીવોત્પત્તિ વધુ, એમાં વેપારરોજગાર કેટલાએ બંધ કર્યા ? બારે માસ મજૂરી કરવા જ જન્મ્યા છો કે શું ? રૂપિયાની થેલી જ પંપાળવા જમ્યા છો ? તમે જન્મ્યા છો શા માટે ? ચાર મહિના બ્રહ્મચર્ય ના પળાય ? જૈનના દીકરાને પરસ્ત્રીની પ્રતિજ્ઞા ન હોય ? આમાં તો ઓઘો નથી ને ? ઓઘાની વાતમાં તો કહી શકો કે “નથી લેવાતો', પણ પરસ્ત્રીનો ત્યાગ ન થાય ? ચાર મહિના બ્રહ્મચર્ય, પરસ્ત્રીનો ત્યાગ, આ તો સામાન્ય છે ને ? દેવપૂજન, સામાયિક, પૌષધ કાંઈયે નહિ ? ત્યારે તમારે કરવાનું શું ? દીક્ષાની વાત તો બાજુમાં રહી, પણ આ બધામાં પણ ના ? કહી દો ને કે “કાંઈ જ કરવું નથી !' જીવન પર અંકુશ નહિ ને પાપ-પુણ્યનો વિચાર નહિ : સ્વછંદી વર્તન ને ઉન્માર્ગે ચાલવું એમ જ ને ? આઠ મહિના તો આઘા રહ્યા, પણ ચોમાસાના ચાર મહિના તો નિવૃત્તિ-શાંતિ ભોગવો ! વેપાર રોજગાર બંધ કરી ધર્મમાં જીવન સમર્પો !પૂજા, વ્યાખ્યાન-શ્રવણ, સામાયિક, પૌષધ, દાન, શીલ, તપ, ભાવનામાં આત્માને જોડો ! ત્રણ ખંડના માલિકો પણ ચોમાસાના ચાર મહિના નગરીની બહાર નહિ જવાના અભિગ્રહ લેતા : જિનમંદિર સિવાય બજારમાં પણ નહિ જવાના નિયમવાળા એ વખતે હતા. તમારે કંઈ નિયમ છે ? દીક્ષામાં તો કહે કે “નથી લેવાતી-પણ આ વાતમાં શું કહે ? “કરવું જ નથી’-એમ કહો ને ! શ્રાવકનો એકેએક દીકરો, દરરોજ નિયમિત શક્તિ પ્રમાણે અષ્ટપ્રકારી પૂજા કરે : ઉભયકાળ પ્રતિક્રમણ કરે : એ તો ગરીબથી પણ બને : ન કરે તોયે એ વખતે કરે શું ? સામાન્ય રીતે મોટે ભાગે તો સવારે ઊંઘે ને સાંજે આથડે એ જ ને ? બીજા વખત માટે તો કોઈ કહે કે “નવરાશ નથી'-પણ આ ટાઇમમાં શું કહે ? નિરાંતે સાત વાગે ઊઠે, વહેલા ઊઠે તો બેસી રહે કે ગપ્પાં મારે, પણ આ ન થાય એનું કારણ ? વસ્તુ પરત્વે રાગ નથી એ જ કારણ ! માટે જ ધૂનનની વાત કરતાં પહેલાં આપણે પ્રાર્થનાસૂત્રની વાત લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org