________________
૧૩૬
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ –
136
નથી, તે તો આ લઈને રસ્તા વચ્ચે નાચે તો પણ કોણ રોકે ? આ ચીજ ઉત્તમ આત્મા માટે એવો અંકુશ છે કે ડગલે પગલે વિચાર કરાવે કે આમ જ બોલાય, આમ જ ચલાય, આમ જ ઉઠાય, આમ જ બેસાય, આમ જ ખવાય અને આમ જ પીવાય વગેરે ! એ આ ઓઘો કહે છે : એમાંથી એ ધ્વનિ નીકળે છે. ધ્વનિ એટલે શબ્દો નથી નીકળતા, પણ એ બધું યાદ કરાવે છે.
તમારી પાસે ચરવળો તે બે ઘડી, ચાર ઘડી કે છ ઘડી અથવા તો વધુમાં વધુ અમુક નિયત કાળ સુધી હોય, પણ કપાળમાં તિલક તો પ્રાયઃ કાયમ હોય ને ! તિલકની કિંમત હોય તે દરેક પાપથી કંપે : એને એમ થાય કે “હું જૈન, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો પાલક : શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને શિરે ચડાવનારો !” એ માણસ બજારમાં, ઘરમાં, ધંધેધાપે કેમ વર્તે ? કેમ બોલે ? ? એની કાળજી કેવી તીવ્ર હોય ? તિલક તો મોટો અંકુશ છે : તિલક કરનારો જૂઠું બોલે ત્યારે સામો કહે કે “આવડું મોટું તિલક કરી જૂઠું બોલો છો ?” પેલો પણ ખોટું ન લગાડે. એ તો એમ માને કે “તિલકના યોગે વગર પૈસાના ચોકીદાર મળે છે.' તિલક કરનારને વગર તિલકવાળો એમ કહે કે “કપાળે તિલક કરો છો. મોટું ધર્મીપણાનું ચિહ્ન કરો છો અને અધર્મ આચરો છો ?' પેલો માને કે “હું પુણ્યવાન ! તિલકના યોગે રક્ષક મળ્યા.' પેલાઓ કહે કે “અમે તો કશું કરતા નથી : પૂજા નથી કરતા, સાધુ પાસે નથી જતા, દહેરે ઉપાશ્રયે નથી જતા, તે ગમે તેમ કરીએ, પણ તમે બબ્બે કલાક દોરે જનારા, સાધુનાં પાસાં સેવનારા, વ્યાખ્યાન સાંભળનારા, તે આવું કરો ?' એ બધા આમ ગમે તે ભાવનાએ બોલે, ભલે નિંદા માટે બોલે, પણ ધર્મ તો માને કે “આ અમારા રક્ષક છે.” એવા વખતે આ ચિહ્નો, ક્રિયા, બાહ્ય આલંબન, આત્માને બચાવવા મજબૂત સાધનરૂપ નીવડે છે.
ભાવના અને પરિણામ ક્વચિત્ આવે : આવે તો ટકતાં નથી : પણ ક્રિયાની જરૂર ખરી કે નહિ ? તેલમરચાં વેચનાર આખો દિવસ મહેનત કરે તો સાંજે આઠ આના કમાય, પણ ઝવેરીને ત્યાં રોજ વખતોવખત ગ્રાહક આવે તેમ નથી : એક-બે આવે તો પણ બેડો પાર : પણ એ ઝવેરી એમ કહે કે “ગ્રાહક આવે ત્યારે જ દુકાન ખોલું -તો ચાલે ? દુકાન રોજ ખોલે તો પણ બે-પાંચદશ આવે અને આવે ત્યારે કામ થાય, પણ દુકાન ખુલ્લી હોય તો આવે ને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org