________________
૭૪
-
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ -
- તમારી ભૂલો બતાવવાને મને કારણ છે. દુનિયામાં બધા તમને સારું કહેનારા છે. દુનિયા એવી છે કે ગાંડાને પણ ડાહ્યા કહે : મનમાં સમજે કે અમારા બાપનું શું જાય છે ? એનું બગડવાનું છે. તમને તમારી ભૂલ વીણી બતાવનાર કોઈ નથી. મને વિચાર થાય છે કે એવી ભૂલોમાં પડ્યા રહ્યા અને પેલાઓના કુલાવ્યા ફૂલાઈ રહ્યા, તો આખરે પોલ ફૂટવાની છે અને પીડા પામવી પડશે. એ વખત ન આવે માટે શોધી શોધીને હું ભૂલ બતાવું છું. ભૂલ ન બતાવું અને તમને દાનવીર, શૂરવીર, ધર્મવીર, કહ્યા કરું એમાં તમારું કલ્યાણ છે ? કહ્યા વિના તમને ભૂલની ખબર પડે શી રીતે ?
બજારમાં પણ સાચા હિતૈષીઓ કોણ ? અણીને વખતે આવીને કહે કે બહુ ચડ્યા છો પણ બજાર જોઈને કામ કરજો, તેજીમાં ભરાઈ ગયા છો પણ બજાર મંદી તરફ જાય છે, ડાહ્યાઓને પૂછીને કામ કરજો નહિ તો નળિયાં વેચવાં પડશે અને આબરૂ લાખની તે રાખની થવાની. જેને લાગણી હોય તે જ આ બધું કહે ને ? અમે શું કહીએ ? લાલ પીળામાં, દુનિયાના રંગરાગમાં ફસતા નહિ : દિવસો ભરાઈ રહ્યા છે : તૈયારીઓ થઈ રહી છે : ભીંત પડશે, વીજળી પડશે, ઉલ્કાપાત થશે. જ્વાલામુખી ફાટશે, ખપી જશો, પત્તો નહિ લાગે : ક્યાં જશો તેનું ઠેકાણું નથી ! તમે ખાઓ-પીઓ, બંગલા-બગીચામાં રહો, મોટો ફેરવો, નાટકચેટક જુઓ, એમાં અમને દુઃખ થવાનું કાંઈ કારણ ? અમને એમ થાય છે કે આમાં ને આમાં ફસી ગયા તો ભયંકર દુર્દશા થશે. આ બધું ઘર વિચારવા કહું છું. મનન કરજો . એમ લાગે કે એ બધું ભયંકર છે, આત્માને મલિન કરનારું છે તો છોડજો. તમે રંગરાગ ભૂલો નહિ અને તમને કોઈ છોડવાનું બતાવે પણ નહિ તો થાય શું?
ધર્મગુરુની ભૂમિકા શાસ્ત્ર માબાપ કરતાં ઊંચી કહી છે. માબાપ ગમે તેવાં તોયે મોહવશ અને સ્વાર્થવશ ગુરુ તો નિર્મોહી. એ જ સાચી ભૂલો બતાવશે. જૂઠું બોલીને આવશો તો કદાચ માબાપ હાથ ફેરવશે, પણ ધર્મગુરુ નહિ ફેરવે : અનીતિ કે અન્યાયથી પાંચસો કમાઈને આવે તો માબાપ એનો સ્વીકાર કરી કદાચ હોશિયાર કહેશે, ગુરુ નહિ કહે : સ્ત્રી પરણો તો માબાપ ખુશ થાય, ગુરુ, ન થાય : પાટલે બેસી માલપાણી જમો તો માબાપ ખુશ જ થાય, પણ ગુરુ તો કહે ભોળા ! ઇંદ્રિયોમાં ન ફસાતો : રસમાં લીન ન થા : ઇંદ્રિયોના રસમાં લીન થયો તો બધું ગયું પૂર્વની કમાઈનું ફળ ચાલ્યું કે પછી ભયંકર દશા આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org