________________
મોટાભાગના સાધકોનો એ અનુભવ હોય છે કે સાધના કરતાં હોય છતાં અનેક પ્રકારના ભયથી તેઓ મુક્ત થઈ શકતા નથી. જાગતો જીવ અભયની આરાધનામાં ક્રમે-ક્રમે જો ઉત્તમ અવસ્થાને પ્રગટ થતી અનુભવી શકે તો જ તેની આરાધના સાર્થક છે અને તો જ તેની જાગૃતિ સાર્થક છે. તેથી આહાર, નિદ્રા, ભય અને કામ આ ચાર સંજ્ઞાઓ સહજ પણે કેવી અને કેટલી ક્ષીણ થતી જાય છે તે આત્મજ્ઞાન ની સાધનામાં સાધકનો સાચો માપદંડ છે. માત્ર કથાનુયોગમાં જ નહીં પરંતુ વર્તમાનકાળમાં પણ આત્મજ્ઞાની સાધકો પાસે એકાંત વનજંગલમાં વાઘ, સિંહ, નાગ આદિ આવીને મિત્રભાવે તેમની પાસે બેસતાં જોવાયા છે.
ઉપરના સંદર્ભમાં આ શ્લોકમાં પરમાત્માના આશ્રિત ભક્તજનોની સામે ગંડસ્થલ ઉપર ભમરાઓથી ઘેરાયેલો મદોન્મત્ત કુદ્ધ અને ઉદ્ધત ઐરાવત હાથી આવે તો પણ તેઓ ભય પામતા નથી. તેનું રહસ્ય અને અર્થઘટન એ છે કે આત્મજ્ઞાનની સાધનામાં લીન પરમાત્માને સમર્પિત ભક્તિવાન જીવો તેમના સાધનાકાળમાં તેમને પંચેન્દ્રિયના રસો કે બાહ્ય શત્રુઓ અને કષાયાદિક આત્યંતર શત્રુઓ ગમે તેવું વિકરાળ રૂપ ધારણ કરીને આવે તો પણ તેમને ડરાવી શકતાં નથી, કારણ કે જેને આત્માના સાચા સ્વભાવનો પરિચય થયો છે, આત્માના અનંત ગુણોમાં રુચિ થઈ છે અને પરમાત્મામાં ભક્તિ થઈ છે, તેમને માટે આ કે કોઈ પણ પ્રકારના વિકરાળ સ્વરુપો કેવળ બ્રાંતિ કે કલ્પના જેવાં કે તૃણવત જણાય છે. કેમકે સૌથી મૂલ્યવાન એવા આત્મામાં અને તેની સ્વાધીન દશામાં તેઓ સ્થિર થયાં હોય છે.
આ શ્લોક દ્વારા રચનાકારે ઘણો અર્થગંભીર અને રહસ્યપૂર્ણ બોધ આત્માર્થીઓને આપ્યો છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૧૪૦)