________________
પરમાત્મતત્ત્વ શું કહે છે તે ભાષાના માધ્યમવિના સહજપણે સરળતાથી સમજી શકે છે અને આનંદમાં તરબોળ થાય છે.
આ શ્લોકમાં આગળ એમ જણાવ્યું છે કે પરમાત્માનું સુવર્ણ જેવું સુંદર શરીર ઊંચા ઉદયાચલ પર્વતના શિખર ઉપરથી પ્રગટેલા સૂર્યના બિબ જેવું શોભે છે. જેમ સૂર્યના કિરણોનો સમૂહ આકાશમાં શોભી ઉઠે છે તેમ ઊંચા સિંહાસન ઉપર બેઠેલા પરમાત્માનું શરીર કરોડો સૂર્યના તેજ કરતાં પણ અધિક તેજસ્વી છે. અને તેમના શરીરમાંથી નીકળતા અલૌકિક સુંદર પ્રકાશ કિરણો સમવસરણમાં બિરાજમાન ચારેગતિના દરેક જીવ ઉપર પડતાં હોવાથી તેમનામાં રહેલા મોહરૂપી અંધકારનો તત્કાળ નાશ કરી રહ્યાં છે. આમ પરમાત્માના સમવસરણમાં બિરાજમાન ચારગતિના જીવો ખરેખર મહાભાગ્યશાળી છે એમ કહી શકાય.
અઠ્ઠાવીસ અને ઓગણત્રીસમાં શ્લોકની ગાથાનો અભુત મહિમા હૃદયમાં ધારણ કરીએ ત્યારે સંભવ છે કે સહેજે એવો પ્રશ્ન થઈ જાય કે તે ચારગતિના જીવોને ખરેખર ધન્ય છે કે જેમને તીર્થંકર પ્રભુના સમવસરણમાં બિરાજવાનો અને તેમની દિવ્યવાણી સાંભળવાનો લાભ મળ્યો. આપણને જો આવો અવસર મળ્યો હોત તો આપણું કામ થઈ જાત! આ બાબતમાં એમ કહી શકાય કે પરમાત્માની દેશના સાંભળીને પણ જીવ પોતે આત્મકલ્યાણ ન કરી શક્યો હોય તે સંભવિત છે. કેમ કે પરમાત્માની દેશના સાંભળીને બહાર આવ્યા પછી જેણે-જેણે પોતાના જાતિસ્વભાવને ધારણ કર્યો. વેરવૃત્તિ અને અન્ય કષાયોમાં ફરીથી લુબ્ધ થયા તેવા જીવો પ્રભુની દેશના સાંભળવા છતાં પણ પાછા ભવભ્રમણના ચક્કરમાં પડી જાય છે. ડનલપપિલોની ગાદી ઉપર બેસીએ છીએ ત્યાં સુધી તે દબાયેલી રહે પરંતુ ઊભા થઈ જઈએ તો તેની સ્થિતિસ્થાપકતા ધારણ કરી અસલ મૂળ સ્વરૂપમાં આવી જાય છે. તેવી રીતે દેશના પરમાત્માની હોય કે વ્યાખ્યાન આચાર્ય ભગવંતનું હોય પરંતુ જેટલો સમય સાંભળવાનો આવે તેટલો સમય મોહરૂપી અંધકાર નાશ પામતો જણાય છે. પરંતુ તે સાંભળીને બહાર આવ્યા પછી કોઈ-કોઈ જીવો ડનલપપિલોની ગાદીની જેમ ફરીથી મિથ્યાત્વરૂપ, સ્થિતિસ્થાપકતા ધારણ કરી લે છે.
આમ છતાં નિરાશ કે હતાશ થવાની જરૂર નથી. પરાધીનદશાનો જ્યારે અતિ ભારે ખેદ વર્તે અને સ્વાધીનતાની ઝંખના જાગે ત્યારે જીવ યથાર્થ માર્ગ ગ્રહણ કરીને જ જંપે છે. આમ આ શ્લોક દ્વારા પણ આચાર્ય ભગવંતે પરમાત્માની સ્તુતિ કરતાં આપણને ઉત્તમ બોધ આપ્યો છે.
Jain Education International
For Prvate Personal Use Only
(૧ ૨ ૫)
www.jainelibrary.org