________________
૨૨
દીક્ષાદ્રાસિંશિકા/શ્લોક-૭ યાદ રાખીને ચિત્તને શાંત રાખવા યત્ન કરે છે, અને જેના તરફથી અપકાર થવાની સંભાવના છે, તેના તરફ પણ ચિત્તને શાંત રાખવા યત્ન કરે છે; તેમ
જ્યાં કોઈ ઉપકારી ન હોય, અને સામેનાથી અપકાર થાય તેમ ન હોય, તેવા સ્થાનમાં પણ ક્રોધના વિપાકનો વિચાર કરીને ચિત્તને શાંત રાખવા યત્ન કરે છે અર્થાત્ વિચારે છે કે કુપિત થવાથી આલોકમાં પણ દેહાદિમાં વિકાર થાય છે, તેથી પોતાનું અહિત થાય છે, અને પરલોકમાં પણ અનર્થની પરંપરા થાય છે, માટે ક્રોધથી સર્યું. તેમ આલોચન કરીને ક્ષમા રાખે છે તે વિપાકક્ષમા છે. (૪) વચનક્ષમા :
ઉપકારીપણાના, અપકારીપણાના કે વિપાકપણાના વિચાર વગર આગમનું અવલંબન કરીને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા મુનિઓને વચનક્ષમા હોય છે. આશય એ છે કે ક્રોધ-માન-માયા-લોભ આ ચારના ઉમૂલન માટે ભગવાનનું વચન સદા ઉપદેશ આપે છે. તે વચનનું આલંબન લઈને ક્રોધ-માન-માયાલોભના પ્રતિપક્ષ એવા ક્ષમાદિ ભાવોની વૃદ્ધિને અનુકૂળ સુદઢ યત્ન કરનારા મુનિઓને દેહથી માંડીને સર્વ બાહ્ય પદાર્થો પ્રત્યે પ્રતિબંધ હોતો નથી, અને તેના વ્યાઘાતક પદાર્થો પ્રત્યે દ્વેષનો ઉલ્લેખ પણ હોતો નથી, પરંતુ શાસ્ત્રવચનાનુસાર પ્રવૃત્તિ કરીને આત્માના સ્વભાવને પ્રગટ કરવા યત્ન કરે છે, તેવા મુનિને વચનક્ષમા હોય છે, અને ઉપલક્ષણથી વચનમાર્દવ આદિ હોય છે. (૫) ધર્મક્ષમા :
વચનક્ષમાના નિરંતર સેવનથી જીવના સ્વભાવભૂત ક્ષમા પ્રગટે છે, તે કેવી છે, તે બતાવતાં કહે છે – જેમ ચંદનને છેદવામાં આવે કે દાહ દેવામાં આવે તેનાથી ચંદનની સુગંધ પ્રગટે છે, તેમ ધર્મક્ષમાવાળા મુનિના દેહમાં છેદ અથવા દાહ કરાતો હોય તોપણ ધર્મક્ષમાવાળા મુનિનું ચિત્ત તેના હિતને અનુકૂળ શુભ ભાવોને ધારણ કરે છે. વળી પરનો ઉપકાર કરવાની વૃત્તિવાળી તે ક્ષમા હોય છે અને જીવની સહજ પ્રકૃતિરૂપે અવસ્થિત હોય છે અને કોઈ વિકારને ધારણ કરતી નથી અર્થાત્ કોઈ સંયોગોમાં આ ક્ષમામાં વિકાર પ્રગટ થતો નથી. વળી આત્માના શુદ્ધસ્વભાવરૂપ ધર્મથી આ ક્ષમા પ્રગટ થનારી છે. તેથી આવા પ્રકારની ક્ષમા ધર્મમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org