________________
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૧૩ સમ્યગ્દર્શન મૂળથી જ વિશિષ્ટ હોય છે. તેથી જે જીવોને તથાભવ્યત્વના કારણે આ પ્રકારનું સર્બોધિ પ્રગટે છે, તે જીવો ભાવિમાં તીર્થંકર થાય છે, અન્ય નહીં. તેથી તીર્થકરના જીવોને પ્રગટ થયેલું બોધિ તે સર્બોધિ કહેવાય છે.
આ પ્રકારની બોધિસત્ત્વની વ્યુત્પત્તિથી વિચારીએ તો તીર્થકરના જીવો કે જે ભાવિ તીર્થકર થવાના છે, તેમને પ્રાપ્ત થયેલા બોધિકાળમાં તેઓ બોધિસત્ત્વ છે; અને તેવા બોધિસત્ત્વનું લક્ષણ જેમ તીર્થંકર થનારા સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, તેમ સૌગતોને અભિમત બોધિસત્ત્વમાં ઘટે છે. માટે વ્યુત્પત્તિઅર્થથી વિચારીએ તોપણ તીર્થંકરના આત્મા એવા સમ્યગ્દષ્ટિ અને બોધિસત્ત્વ સમાન છે.
અહીં વિશેષ એ છે કે સૌગતોને અભિમત બોધિસત્વ કુમતને સ્થાપનારા છે, માટે તેઓ મિથ્યાદૃષ્ટિ છે. તેથી સમ્યગ્દષ્ટિ સાથે તેની તુલના કેમ થઈ શકે ? એ પ્રકારના પ્રશ્નનો અવકાશ નથી; કેમ કે બોધિસત્ત્વ કેવા હતા? તેને સામે રાખીને તેની સાથે સમ્યગ્દષ્ટિની તુલના કરી નથી, પરંતુ બોધિસત્ત્વનું જેવું સ્વરૂપ સૌગતો કહે છે તેવું સર્વ સ્વરૂપ વાસ્તવિક સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, અને બોધિસત્ત્વ શબ્દના વ્યુત્પત્તિઅર્થથી વિચારીએ તોપણ બોધિસત્ત્વનો જે અર્થ થાય છે, તેવા અર્થવાળા વસ્તુતઃ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે. માટે બોધિસત્ત્વ અને સમ્યગ્દષ્ટિ બંને સમાન છે તેમ કહેલ છે; પરંતુ બૌદ્ધમતની સ્થાપના કરનારા જે બોધિસત્ત્વ હતા, તેમનું ગ્રહણ કરીને સમ્યગ્દષ્ટિ સાથે તેમની તુલના કરી નથી.
બીજા પ્રકારની બોધિસત્ત્વની વ્યુત્પત્તિમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે તથાભવ્યત્વને કારણે સર્બોધિવાળા બોધિસત્ત્વ છે. ત્યાં પ્રશ્ન થાય કે તથાભવ્યત્વ શું છે ? તેથી તે બતાવવા પહેલાં ભવ્યત્વ શું છે ? તે કહે છે --
ભવ્યત્વ એટલે મોક્ષમાં જવાને અનુકૂળ એવું યોગ્યત્વ, અને આ યોગ્યત્વ કર્મકૃત નથી, પરંતુ અનાદિ પારિણામિકભાવ છે=જીવના પોતાના સ્વાભાવિક પરિણામરૂપ છે; પરંતુ કર્મના ઉદયથી, ક્ષયથી કે ઉપશમથી થયેલો પરિણામ નથી. વળી ભવ્યત્વ બતાવ્યા પછી તથાભવ્યત્વ શું છે ? તે સ્પષ્ટ કરે છે – દરેક જીવનું ભવ્યત્વ કાલથી, નૈયત્યથી અને ક્ષેત્રથી ભિન્ન ભિન્ન પ્રકારનું કાર્ય કરે છે. તે ભિન્ન પ્રકારના કાર્યનું કારણ તેવું ભવ્યત્વ તે તથાભવ્યત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org