________________
૩૮
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૩ દેવપૂજાદિ અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે; કેમ કે આદિધાર્મિકકાળભાવિ અનુષ્ઠાન કરનારા જીવોને મુક્તિનો અદ્વેષ હોવાથી, અને કેટલાક જીવોને કંઈક મુક્તિનો રાગ હોવાથી, શુભ ભાવના લેશનો યોગ છે. તેથી શુભ ભાવલેશના યોગથી યુક્ત એવું તેનું અનુષ્ઠાન અમૃતઅનુષ્ઠાનરૂપ સદનુષ્ઠાનનો હેતુ છે, તેથી તહેતુઅનુષ્ઠાન છે.
અહીં વિશેષ એ છે કે જે જીવોને ભવનો ઉત્કટ રાગ છે તેવા જીવોને યોગમાર્ગનું વર્ણન સાંભળવા છતાં તેના પ્રત્યે પ્રીતિ થતી નથી, તેથી ભવમાં ઉત્કટ રાગવાળા જીવોનું અનુષ્ઠાન તત્તુઅનુષ્ઠાન બનતું નથી, પરંતુ મુક્તિના અદ્રષવાળા જીવોને ભવનો ઉત્કટ રાગ નહીં હોવાના કારણે યોગમાર્ગની વાતો સાંભળે તો તેના પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થાય છે. વળી તેઓને ભવના ઉચ્છેદના કારણીભૂત એવા તાત્ત્વિક દેવપૂજાદિ આચારો પ્રત્યે અભિમુખભાવ હોય છે, તેથી તેવા આચારોને જોઈને તેઓને બહુમાન થાય છે. તેથી યોગી પાસે તેઓ મુક્તિનું પારમાર્થિક સ્વરૂપ સાંભળે ત્યારે જન્મ-જરા-મૃત્યુ આદિ ક્લેશ વિનાની મુક્તિ પ્રત્યે તેઓને થોડોક રાગ પણ થાય છે, અને તેવા જીવો મુક્તિના રાગથી દેવપૂજાદિ અનુષ્ઠાન સેવતા હોય ત્યારે તેઓને મુક્તિના અદ્વેષરૂપ કે મુક્તિના થોડા અનુરાગરૂપ શુભ ભાવનો લેશ વર્તે છે, તેથી તેઓનું અનુષ્ઠાન ક્રમસર સદ્અનુષ્ઠાનનું કારણ બનશે. માટે તેઓનું અનુષ્ઠાન સદ્અનુષ્ઠાનનો હેતુ છે, તેથી તે અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન કહેવાય છે. (૫) અમૃતાનુષ્ઠાન :“આ જ તત્ત્વ છે એ પ્રકારના અભિનિવેશરૂપ ભગવાને કહેલા માર્ગની શ્રદ્ધા જેઓને થઈ છે, તેઓ ભગવાનના વચનને પરતંત્ર થઈને અનુષ્ઠાન સેવે છે, તેથી તેઓનું અનુષ્ઠાન પૂર્ણ શાસ્ત્રાનુસારી હોય છે, અને આવું અનુષ્ઠાન અમૃતાનુષ્ઠાન છે; કેમ કે અમરણનો હેતુ છે અર્થાત્ મોક્ષનો હેતુ છે. જેમ અમૃત પીવાથી અમર થવાય છે એ પ્રમાણે લોકોક્તિ છે, તેમ આ અનુષ્ઠાન સેવવાથી જીવ ક્રમે કરીને મોક્ષને પામે છે, અને મોક્ષમાં ગયા પછી ક્યારેય મૃત્યુ નથી. તેથી આ અનુષ્ઠાન અમરણનો હેતુ છે, માટે તે અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન કહેલ છે. ll૧૩માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org