________________
૧૯
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૯ પક્ષપાત કરવારૂપ અશુભ અધ્યવસાય થતો નથી; પરંતુ સર્વદેવ સંસારથી નિસ્તારનો માર્ગ બતાવનારા છે અને સ્વયં સંસારથી નિસ્તારને પામેલા છે, તેવી બુદ્ધિપૂર્વક સર્વને નમસ્કાર કરે તો બધા દેવોને નમસ્કાર કરવાના અનુષંગથી વિશિષ્ટ એવા વીતરાગદેવને પણ નમસ્કાર કરવાનું પ્રાપ્ત થાય, વળી તે તે દર્શનવાળા યોગીઓ પાસે જઈને દેવના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા પણ થાય, અને તે રીતે બધા દેવોના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસાના અનુષંગથી વીતરાગના સ્વરૂપને પણ જાણવાની જિજ્ઞાસા થાય; અને તે રીતે પ્રયત્ન કરવાથી જ્યારે અન્ય દેવો કરતાં વીતરાગના ગુણોના આધિક્યનું પરિજ્ઞાન થાય, ત્યારે તેઓને આ જ દેવ ખરેખર, ભક્તિપાત્ર છે તેવું જ્ઞાન થાય છે. તેથી શુદ્ધ એવા વીતરાગદેવની ભક્તિ આદિરૂપ માર્ગમાં તેઓનો પ્રવેશ થાય છે, જેથી શુદ્ધ માર્ગની પ્રાપ્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
અહીં જિજ્ઞાસા થાય કે આદિધાર્મિક જીવો પ્રથમથી જ વીતરાગમાત્રને નમસ્કાર કરે અને અન્ય દેવોને નમસ્કાર ન કરે તો શું વાંધો ? તેથી કહે છે -
આદિધાર્મિક જીવો દેવતાના સ્વરૂપના બોધના વિષયમાં અત્યંત મુગ્ધ છે અર્થાત્ ઉપાસ્ય દેવનું પારમાર્થિક સ્વરૂપ કેવું હોવું જોઈએ, અને ઉપાસ્ય દેવોથી બતાવાયેલો મોક્ષમાર્ગ કેવો હોવો જોઈએ ? તેનો પરમાર્થથી નિર્ણય કરી શકે તેવી બુદ્ધિ વિકસેલી નથી, પરંતુ સંસારથી પર થવા માટે અહિંસા આદિ વ્રતો અને તપાદિ આચરણા કરવી જોઈએ, એવી બુદ્ધિમાત્રથી ધર્મ કરવા માટે સન્મુખ થયેલા છે. તેથી જ્યાં સુધી ઉપાસ્ય દેવતાના સ્વરૂપવિશેષને જાણતા ન હોય ત્યાં સુધી “આ જ દેવતા ઉપાય છે, અન્ય નહિ” એ પ્રકારની વિશેષ પ્રવૃત્તિને માટે હજી યોગ્ય નથી, પરંતુ સામાન્યથી સર્વ દેવતાઓને ઉપાસ્યરૂપે સ્વીકારે તો જ તત્ત્વ પ્રત્યેના પક્ષપાતરૂપ તેઓની મધ્યસ્થ બુદ્ધિ વૃદ્ધિ પામે છે; અને સર્વ દેવોને નમસ્કાર માત્ર કરીને તેઓ સંતોષ પામે તેવા નથી, પરંતુ તત્ત્વની જિજ્ઞાસાથી, તે તે દર્શનના ઉપાસ્ય એવા દેવના સ્વરૂપને અને તે તે દર્શનના દેવતાઓ દ્વારા બનાવાયેલ યોગમાર્ગના સ્વરૂપને જાણવા માટે પણ શક્તિ અનુસાર યત્ન કરે છે. તેથી તે પ્રકારના યત્નથી જ્યારે વીતરાગના ગુણઆધિક્યનું પરિજ્ઞાન થાય ત્યારે સર્વજ્ઞએ બતાવેલા માર્ગ પ્રત્યે તેઓને રુચિ થાય છે, અને શુદ્ધ એવા સર્વજ્ઞ વીતરાગદેવની ભક્તિનો પરિણામ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org