________________
સાધકનું સમાધાન
(૧૯)
“સાધકના મહત્ત્વના અંગો”
નિરપેક્ષતા, નિર્ભયતા, નિઃસંગતા આ સાધકનાં મહત્ત્વનાં અંગો છે. અહિંસા, સંયમ અને તપથી જેણે પોતાના આત્માને ભાવિત કર્યો છે, માત્ર જેને એક જ મોક્ષાભિલાષા છે, પરમાર્થ માર્ગની પરમ સાધના માટે જ જેનું જીવન છે, એ જ અર્થે જેનું જીવિત છે, સમગ્ર આકાંક્ષાઓ જેની શમી ગઈ છે, એને કોની અપેક્ષા હોય?
જો કે એ સાધક આત્મા કોઈપણ જીવની ઉપેક્ષા કરતો નથી, અનાદર કરતો નથી, તિરસ્કાર કરતો નથી, સકળ સત્ત્વહિતાશયરૂપ અમૃત પરિણામથી એનું ચિત્ત પરિણત હોય છે. સકળ જીવરાશિ સાથે મૈત્રીભાવ, ગુણાધિક પ્રત્યે પ્રમોદ, દુ:ખી જીવો પ્રત્યે અત્યંત કરુણાભાવ એનામાં હોય પણ એને કોઈની અપેક્ષા ન હોય માટે જ એનામાં સમભાવ હોય છે. એ કોઈથી દબાય નહીં, કોઈની શેહમાં તણાય નહીં અને સંબંધ માત્ર ધર્મ નિમિત્તે જ હોય અને પારમાર્થિક માર્ગની સાધનામાં જો સંબંધ બાધક હોય, પ્રતિબંધક હોય તો, એ સંબંધનો પરિત્યાગ કરે પણ સ્વીકારેલા પરમાર્થ માર્ગનો પરિત્યાગ ન કરે.
આ જીવન માત્ર પરમાર્થ માર્ગની સાધના માટે જ છે. અન્ય કોઈપણ કાર્ય માટે નથી. જીવનની પ્રત્યેક પળ, પ્રત્યેક સમય માત્ર સાધનામાં જ-વીતાવવો.
ભય તો પરમાર્થ માર્ગમાં અંતરાયભૂત છે. જ્યાં ભય છે ત્યાં શંકા છે, જ્યાં શંકા છે ત્યાં સંતાપ છે, જ્યાં સંતાપ છે ત્યાં આર્તધ્યાન છે. એમાંથી જ રૌદ્રધ્યાનની ઉત્પત્તિ થાય છે, જે ચિત્તની કલુષિતતાને વૃધ્ધિગત કરે છે, પરિણામમાં અસ્થિરતા થાય છે, વિહ્વળતા ને વ્યાકુળતા થાય છે, માટે સાધકે સર્વતઃ ભયનો પરિત્યાગ કરી નિર્ભય બનવું. નિર્ભયતા એ જ સફળતાની મુખ્ય ચાવી છે. જ્યારે મન તમામ ભયોથી મુક્ત બને છે ત્યારે તે મન શાંતતા, સ્વસ્થતા, સમતોલતા અનુભવે છે અને એ જ મન એકાગ્ર બની સ્વાધ્યાય, ધ્યાન તથા યોગ સાધના માટે યોગ્ય બને છે, શાસ્ત્રોનું વાંચન ને સત્પુરુષની દિવ્ય વાણીનું શ્રવણ કરી શકે છે, એ જ મનમાં વિવેકરૂપ સૂર્યનો ઉદય થાય છે ને જીવનમાં પ્રકાશ રેલાય છે.
લજ્જા એ સર્વ સદ્ગુણોની જનની છે. નિર્ભયતા એ પરમાર્થ માર્ગનો રખેવાળ છે. જ્યારે ભય જે મોહમાંથી પ્રગટે છે એનું મૂળ અહંકાર છે, જે અજ્ઞાનની પેદાશ છે.
Jain Education International
For Private & Personal Use Only
૧૨૯
www.jainelibrary.org