________________
પ્રબંધ પહેલો અધિકાર ત્રીજો
* દંભત્યાગ અધિકાર *
[૫૪] ટ્રંમો મુત્તિનતાહ્લિમો રાહુ: યિાવિઘ્ન ।
दौर्भाग्यकारणं दंभो दंभोऽध्यात्मसुखार्गला ॥१॥
અનુવાદ : દંભ મુક્તિરૂપી લતાને માટે અગ્નિ છે; દંભ ક્રિયારૂપી વિધુ (ચંદ્ર) માટે રાહુ સમાન છે; દંભ દુર્ભાગ્યનું કારણ છે; દંભ અધ્યાત્મસુખની અર્ગલા (ભૂંગળ, ભોગળ) સમાન છે.
વિશેષાર્થ : અધ્યાત્મમાર્ગમાં દંભ કેટલો અંતરાયરૂપ છે તે સચોટ રીતે દર્શાવવા માટે ગ્રંથકારે આ શ્લોકમાં કેટલાંક સુંદર રૂપકો પ્રયોજ્યાં છે.
દંભ મુક્તિરૂપી લતાને બાળી નાખનાર અગ્નિ જેવો છે. દંભ ધર્મક્રિયા રૂપી ચંદ્રને ગળી જનાર રાહુ સમાન છે. દંભથી દુર્ભાગ્ય આવે છે અને માણસ દુ:ખી થઈ જાય છે. જૂના વખતમાં બારણું બંધ કરવા અર્ગલા એટલે કે ભોગળ વપરાતી. દરવાજો અંદરથી બંધ કર્યા પછી સમાસામે બે ય બાજુ દીવાલમાં કરેલા નાના બાકોરામાં આડું લાકડું ભરાવાતું. એને અર્ગલા અથવા ભોગળ કહે છે. એથી દરવાજો મજબૂત રીતે બંધ રહે છે. દંભ આવી અર્ગલા છે. એ અધ્યાત્મસુખને આત્મારૂપી ઘરમાં આવવા દેતી નથી.
દંભ એટલે કપટ; દંભ એટલે માયાચાર. મનમાં કંઈક હોય અને જીભે કંઈક જુદું હોય. માણસ મુખે પ્રશંસા કરે અને મનમાં ભારોભાર નિંદા હોય, ઈર્ષા હોય, દ્વેષ હોય. દંભમાં અસત્યનો આશ્રય લેવાય છે. માણસ ઉપદેશ એક પ્રકારનો આપે અને એના પોતાના અંગત જીવનમાં એથી વિપરીત વર્તન હોય. માણસ પોતાની ત્રુટિઓને, નબળાઈઓને સંતાડે અને ડાહી ડાહી વાત કરે. એટલે દંભી માણસનો કોઈ તરત વિશ્વાસ કરતું નથી. દંભી માણસ પોતાનો સ્વાર્થ છુપાવવા જૂઠું બોલે અને પકડાઈ જાય ત્યારે કંઈક ખોટું બહાનું કાઢે અથવા બીજાના ઉપર ખોટું દોષારોપણ કરે.
મન, વચન અને ક્રિયા એ ત્રણેમાં સંગતિ એટલે કે એકરૂપતા આવે ત્યારે દંભ જાય. દંભ જાય તો સરળતા આવે. દંભ જાય તો જીવન પારદર્શક બને. દંભ જાય તો અંગત જીવન અને જાહેર જીવન વચ્ચેનો ભેદ ટળી જાય. દંભ જાય તો સમતા આવે, સત્યપ્રિયતા આવે, ન્યાયબુદ્ધિ આવે, તત્ત્વવિચારમાં આનંદ આવે અને ઉચ્ચ મૂલ્યોમાં, મોક્ષમાર્ગમાં શ્રદ્ધા પ્રગટે.
ગ્રંથકારશ્રીએ ‘દંભત્યાગ' નામના આ અધિકારમાં પહેલા અને બીજા શ્લોકના પ્રત્યેક ચરણમાં, એમ ‘દંભ’ શબ્દ આઠવાર પ્રયોજી, દંભની દુષ્ટતા ઉપર ઘણો ભાર મૂક્યો છે. અધ્યાત્મમાર્ગમાં જેમણે ગતિ કરવી છે તેમણે સૌ પ્રથમ જીવનમાંથી દંભને તિલાંજલિ આપવાનો ભારે પુરુષાર્થ કરવો પડશે.
Jain Education International2010_05
૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org