________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
નૈગમનય ઘણો વ્યાપક છે. તેનો વિષય વિશાળ છે. લૌકિક રૂઢિ પર તે આશ્રિત છે. તે અતીત, વર્તમાન અને અનાગતને વિકલ્પરૂપથી સાંધે છે. એ રીતે નૈગમનયના ભૂતનૈગમ, વર્તમાનનૈગમ અને ભાવિનૈગમ એમ ત્રણ મુખ્ય પ્રકાર પડે છે. ઉદાહરણ તરીકે કોઈ દિવાળીને દિવસે એમ કહે કે “આજે ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ થયું.' તો તે ભૂતનૈગમનાય છે. એમાં ભૂતકાળની ઘટનાને વર્તમાનમાં બનતી હોય તેમ વર્ણવાય છે. તેવી રીતે ભવિષ્યની ઘટના વર્તમાનમાં બનતી હોય તેવી રીતે વર્ણવાય છે. દા.ત. કોઈ મહિના પછી અમેરિકા જવાના હોય તો આપણે પરિચય કરાવીએ છીએ કે ‘ભાઈ અમેરિકા જાય છે.' કોઈ દાક્તરી વિદ્યાનો અભ્યાસ કરતા હોય પણ હજુ ડૉક્ટર થયા ન હોય તો પણ આપણે કહીએ છીએ; “આવો ડૉક્ટર.– આવું બધું લોકવ્યવહારથી ઘટી શકે છે.
નૈગમનય વસ્તુને સામાન્ય તથા વિશેષ એમ ઉભયાત્મકરૂપે માને છે. વળી નૈગમનના “સંકલ્પનૈગમ”, “અંશ નૈગમ' અને “આરોપ નૈગમ” એવા તથા ‘દ્રવ્યનૈગમ”, “પર્યાયનૈગમ’ અને ‘દ્રવ્યપર્યાયનૈગમ” એવા પેટાપ્રકારો પણ બતાવવામાં આવે છે.
સંગ્રહનય પદાર્થના સામાન્ય સ્વરૂપનો બોધ કરાવે છે. વિભિન્ન વસ્તુઓમાં વિશેષ ગુણધર્મો અને સામાન્ય ગુણધર્મો રહેલા છે. વિશેષ ગુણધર્મો ભિન્ન ભિન્ન વસ્તુઓમાં પરસ્પર વિરુદ્ધ પણ હોઈ શકે છે, પરંતુ સામાન્ય ગુણધર્મ એમાં સમાનરૂપે હોય છે. આવા સમાન ગુણધર્મોનો સંગ્રહ કરીને એ અપેક્ષાએ કથન કરવું તે સંગ્રહનયનું કાર્ય છે. નાના સંગ્રહમાંથી મોટા સંગ્રહ તરફ જતાં સંગ્રહનયને કોઈ મર્યાદા નથી. કાગડો, પોપટ, મોર એમ ન કહેતાં સંગ્રહનય “પક્ષીઓ' કહેશે. કાગડો, બકરી, સિંહ એમ ન કહેતાં તે “પ્રાણીઓ' કહેશે. કાગડો, બકરી, સિંહ, સ્ત્રી, પુરુષ વગેરેને તે “જીવ’ કહેશે. આંબો, લીમડો, પીપળો એમ જુદા જુદા ન કહેતાં તે “વૃક્ષ' કહેશે. આંબો, લીમડો, ઘાસ, વેલ વગેરેને તે વનસ્પતિ કહેશે. એ પ્રમાણે સામાન્ય ધર્મવાચક, એટલે કે સમૂહવાચક શબ્દ પ્રયોજશે.
સંગ્રહનયના શુદ્ધ સંગ્રહનય અને અશુદ્ધ સંગ્રહનય એવા બે પ્રકારો છે. એ બંનેને અનુક્રમે મહાસામાન્યનય (અથવા પરસંગ્રહનય) તરીકે અને અવાન્તર સામાન્યનય (અથવા અપરસંગ્રહનય) તરીકે પણ ઓળખવામાં આવે છે.
વસ્તુઓ વિશેષરૂપથી વ્યવહાર કરે તે વ્યવહારનય છે. વ્યવહારનય અર્થભેદક છે. તે દરેક પદાર્થને અન્ય પદાર્થથી ભિન્ન એવી વિશેષતાથી ઓળખવાનું કહે છે. સંગ્રહનયમાં એકીકરણ છે, તો વ્યવહારનયમાં પૃથક્કરણ છે. લોકવ્યવહારમાં વ્યવહારનય ઉપયોગી થાય છે, એટલું જ નહિ, તે અનિવાર્ય પણ બની જાય છે. ભિન્નભિન્ન વસ્તુઓના તેમની વિશેષતા અનુસાર વિભાગ કરવા જીવનમાં જરૂરી બને છે. સંગ્રહનય પદાર્થોને ઉત્તરોત્તર સંગ્રહીત કરે છે, એક જ શીર્ષક હેઠળ લાવવાનો પ્રયાસ કરે છે, તો વ્યવહારનય પદાર્થોને ઉત્તરોત્તર વિભાજિત કરે છે, એટલે કે પદાર્થોને તે ભિન્નભિન્ન શીર્ષક હેઠળ વિશેષતા અનુસાર મૂકે છે. ઉદાહરણ તરીકે સંગ્રહનાં બધાં વૃક્ષોને વૃક્ષોના સામાન્ય ધર્મથી ઓળખાવે છે, તો વ્યવહારનાં વૃક્ષોમાં આંબો, લીમડો, વડ એવા ભેદ બતાવે છે. મીઠાઈની એક દુકાનનું નામ રાખવું હોય તો સંગ્રહનય અપનાવવો પડે અને ઘરાક મીઠાઈ લેવા આવે ત્યારે પેંડા, બરફી, જલેબી જુદાં જુદાં બતાવીને વ્યવહારનયનો આશ્રય લેવો પડે.
વ્યવહારનયના શુદ્ધ વ્યવહારનય અને અશુદ્ધ વ્યવહારનય એવા તથા અન્ય પ્રકારના ભેદો બતાવવામાં આવ્યા છે.
૪૩૩ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org