SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર । [७००] नृनरकादिपर्यायैरप्युत्पन्नविनश्वरै: भिन्नैर्जहाति नैकत्वमात्मद्रव्यं सदान्वयि ॥२३॥ અનુવાદ : ઉત્પન્ન થતા અને નાશ પામતા મનુષ્ય, નારકી વગેરે ભિન્ન ભિન્ન પર્યાયો વડે પણ સદા અન્વયવાળું આત્મદ્રવ્ય એકત્વને છોડતું નથી. વિશેષાર્થ : અગાઉ સ્વરૂપ અને સાદૃશ્યની દૃષ્ટિએ આત્મદ્રવ્યની એકતા દર્શાવવામાં આવી છે. એ વિશે અહીં વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે. જીવોએ ધારણ કરેલા દેહરૂપી પર્યાયોનો વિચાર કરવામાં આવે તો પહેલું તો એ જણાશે કે આ પર્યાયો ઉત્પત્તિ અને વિનાશના ધર્મવાળા અર્થાત્ લક્ષણવાળા છે. વ્યવહારમાં આપણે સાંભળીએ છીએ કે જે જાયું તે જાય' (જે જન્મ પામ્યું તે નાશ પામે છે) અથવા ‘કોઈ અમર પટો લખાવીને આવ્યું નથી.' આમ, એક જન્મની દૃષ્ટિએ જોઈએ તો પ્રત્યેક જીવના શરીરનો મોડો કે વહેલો અંત અવશ્ય આવે જ છે, પરંતુ મનુષ્યાદિ જીવોની ઉત્પત્તિથી વિનાશ સુધીની ક્રિયા દરમિયાન આત્મદ્રવ્ય સર્વ અવસ્થામાં એનું એ જ રહે છે. ત્યારપછી જન્મજન્માન્તરની દૃષ્ટિએ વિચારવામાં આવે તો શૃ (એટલે મનુષ્ય), નારકી ઇત્યાદિ ભવો એક જ જીવના થાય અને એ ભિન્નભિન્ન પર્યાયો હોવા છતાં તેમાં રહેલો આત્મા ભિન્ન નથી હોતો. એટલે કે જ્ઞાનાદિગુણયુક્ત આત્મા પોતાનું એકત્વ છોડતો નથી. તે સદાન્વયી એટલે કે કાયમ જ્ઞાનાદિ ગુણો સાથે જોડાયેલો હોય છે. [७०१] यथैकं हेम केयूरकुंडलादिषु वर्तते । नृनारका दिभावेषु तथात्मैको निरंजनः ॥२४॥ અનુવાદ : જેમ એક જ સુવર્ણ કેયૂર, કુંડલ વગેરેમાં હોય છે તેમ એક જ નિરંજન આત્મા મનુષ્ય, નારકી વગેરેના ભાવોમાં હોય છે. વિશેષાર્થ : સંસારમાં મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચારે ગતિના મળીને અનંતાનંત જીવો છે. પ્રતિસમય જન્મ-મરણનું ચક્ર ચાલ્યા કરે છે. કેટલાયે જીવો મૃત્યુ પામે છે અને કેટલાયે નવા જન્મે છે. પરંતુ એ બધામાં રહેલો વિશુદ્ધ આત્મા તો જ્ઞાનગુણથી, આત્મપ્રદેશોથી એકસ૨ખો જ છે. એક આત્મા અને બીજા આત્મા વચ્ચે વિશુદ્ધ આત્મદ્રવ્યથી દૃષ્ટિએ કશો ફરક નથી. તે આત્માએ ધારણ કરેલા દેહ ભિન્નભિન્ન છે, પરંતુ આ દેખાય છે તે ભિન્નતા બાહ્ય છે, ભ્રામક છે અને ક્ષણિક છે. અહીં સુવર્ણના અલંકારોનું ઉદાહરણ આપવામાં આવે છે. એક જ સોનામાંથી કેયૂર એટલે હાથે પહેરવાનું ઘરેણું બનાવવામાં આવે છે અને કુંડલ એટલે કાને ૫હે૨વાનું ઘરેણું બનાવવામાં આવે છે. એવી રીતે સોનાની બંગડીઓ ભંગાવીને હાર બનાવવામાં આવે છે, હાર ભંગાવીને પોંચી બનાવવામાં આવે છે. એક જ સોનામાંથી વારાફરતી નાનાંમોટાં ઘરેણાં થાય છે. પરંતુ તે બધામાં સોનું તો એનું એ જ રહે છે. ‘ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’ એની જેમ જ જીવોમાં રહેલા નિરંજન આત્મા વિશે કહેવાય. અરે, મૃત્યુની કે બીજા જન્મની વાત પછી લઈએ, પરંતુ એક જ જન્મમાં બાળપણ, યૌવન, વૃદ્ધાવસ્થા ઇત્યાદિ કેટલી બધી અવસ્થાઓ જોવા મળે છે ! પરંતુ એમાં રહેલો વિશુદ્ધ આત્મા નથી મોટો થતો કે નથી નાનો રહેતો. આત્મદ્રવ્ય સર્વત્ર, સર્વકાળે એકસરખું જ છે અને એ પ્રમાણે જ રહે છે. Jain Education International2010_05 ૪૦૪ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy