________________
ગીતામાંથી આધારો આપ્યા છે, જે જેમની સંપ્રદાયથી પર એવી ઉદાર અને ગુણગ્રાહી સૃષ્ટિનો પરિચય કરાવે છે.
ગુર્જર ભાષામાં રચનાઓ
ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ કરી છે, જે એમને મધ્યાકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન અપાવે છે. ગુજરાતીમાં એમણે રાસ, સ્તવન, સજ્ઝાય, પદ, ગીત, સંવાદ, બાલાવબોધ, હરિયાલી ઇત્યાદિ પ્રકારો ખેડ્યા છે અને તે દરેકમાં ઊંચા પ્રકારની કવિત્વશક્તિ દાખવીને ગુજરાતી સાહિત્યને અનોખું પ્રદાન કર્યું છે.
રાસકૃતિઓ
શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં રચેલી સૌથી મોટી અને મહત્ત્વની કૃતિ તે ‘જંબુસ્વામીરાસ' છે. પાંચ અધિકારની બધી મળીને ૩૭ ઢાળમાં લખાયેલી આ કૃતિની રચના કવિએ ખંભાતમાં વિ. સં. ૧૭૩૯માં કરી હતી. રાસના કથાનક માટે એમણે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર’ના પરિશિષ્ટપર્વમાં આપેલી જંબૂસ્વામીની કથાનો આધાર લીધો છે. આ રાસમાં, કવિની પરિણત પ્રજ્ઞાના સુફલ તરીકે ભાષાલાઘવ સહિત પ્રસંગોનું અને પાત્રોનું અલંકારયુક્ત સચોટ, માર્મિક નિરૂપણ થયું છે.
શ્રી યશોવિજયજીએ સત્તર ઢાળની ૨૮૪ ગાથામાં લખેલો ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ તત્ત્વજ્ઞાનના કઠિન વિષયનું પદ્યમાં કવિતામાં નિરૂપણ કરતી, મધ્યકાલીન સાહિત્યની એક અત્યંત મહત્ત્વની અને પંડિતોને પડકારરૂપ કૃતિ છે. આ રાસની સં. ૧૭૧૧ની શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નયવિજયજીના હસ્તે સિદ્ધપુરમાં લખાયેલી હસ્તપ્રત મળે છે. એટલે આ રાસની રચના સં. ૧૭૦૮ની આસપાસ થઈ હોય એવું માનવામાં આવે છે. આ રાસમાં કવિએ તત્ત્વજ્ઞાનને કવિતામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન કવિ અખાની યાદ અપાવે એ પ્રકારની આ સમર્થ કૃતિ છે. એમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનાં લક્ષણો, સ્વરૂપો ઇત્યાદિનું નિરૂપણ, અનેક મતમતાંતર અને દૃષ્ટાંતો તથા આધાર ગ્રંથોના ઉલ્લેખો સાથે કરવામાં આવ્યું છે. આ રાસ ઉપરથી પછીના કાળમાં દિગંબર કવિ ભોજરાજજીએ સંસ્કૃત ભાષામાં ‘દ્રવ્યાનુયોગ તર્કણા’ નામનું વિવરણ લખ્યું છે એ જ એની મહત્તા દર્શાવવા માટે બસ છે.
‘જંબૂસ્વામીરાસ’ અને ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ’ એ બે સમર્થ રાસકૃતિઓ ઉપરાંત શ્રી વિનયવિજયજીકૃત ‘શ્રીપાળ રાજાનો રાસ' પૂરો કરવામાં શ્રી યશોવિજયજીએ કરેલું યોગદાન ચિરસ્મરણીય છે.
સ્તવનો
સ્તવનના કાવ્યપ્રકારના ક્ષેત્રે પણ યશોવિજયજીનું અર્પણ ઘણું જ મહત્ત્વનું છે. મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતા સાહિત્યમાં ચોવીસી (ચોવીસ તીર્થંકરો વિશે ચોવીસ સ્તવનની રચના) લખનાર ઘણા કવિઓ છે. પરંતુ કોઈ પણ કવિએ એક કરતાં વધુ ચોવીસી લખી નથી. શ્રી યશોવિજયજી જ એક માત્ર એવા કવિ છે કે જેમણે એક કે બે નહિ, પણ ત્રણ ચોવીસી લખી છે. ત્રણ ચોવીસી ઉપરાંત એમણે એક વીસી(વીસ વિહરમાન જિનેશ્વરોનાં વીસ સ્તવનો)ની રચના કરી છે. એમનાં મોટાં સ્તવનોમાં સવાસો ગાથાનું, દોઢસો ગાથાનું અને સાડા ત્રણસો ગાથાનું એમ ત્રણ સ્તવનો મળે છે, જે અનુક્રમે નીચે પ્રમાણે છે
:
Jain Education International2010_05
35
For Private & Personal Use Only
www.jainelibrary.org