________________
અધ્યાત્મસાર
ભોગવનારાઓનો વિચાર આવતાં ઈષ્ય કે અસૂયાનો ભાવ પણ જન્મે. ભૂતકાળમાં જો દુઃખ વેડ્યું હોય, કોઈની સાથે વૈર બંધાયું હોય તો એવાં સંસ્મરણો તાજાં થતાં ચિત્તમાં સંકલેશ થવા લાગે. ત્યારે આમ કર્યું હોત તો સારું” અથવા “એવું ન થયું, કારણ કે...' એવા એવા મનમાં વિકલ્પો ઊઠે. આથી ભૂતકાળનાં સંસ્મરણો તાજા કરવાથી ચિત્ત એના પ્રવાહમાં વધારે તણાઈ જાય છે અને રાગદ્વેષની તીવ્ર પરિણતિ થવા લાગે છે. એટલા માટે જ્ઞાનયોગી મહાત્માઓ ભૂતકાળનો વિચાર આવે ત્યારે અથવા પોતાની સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ તેવાં સ્મરણો તાજાં કરાવવા પ્રયત્ન કરે ત્યારે તેઓ તરત જ તેને ત્યાં અટકાવી દે છે અને ભૂતકાળ પર પડદો નાંખી દે છે.
બીજી બાજુ જ્ઞાનયોગી મહાત્માઓ ભવિષ્યકાળની અભિલાષાઓનો પણ ત્યાગ કરતા હોય છે. મનુષ્યનું મન ભવિષ્ય તરફ સતત નજર રાખીને દોડતું હોય છે. સંસાર છોડી સાધુ-સંન્યાસી બનેલા મહાત્માઓને પણ ધર્મના અને અધ્યાત્મના ક્ષેત્રે ઘણું બધું ગૃહસ્થો પાસે કરાવવાની આકાંક્ષા રહે છે. પછી તેઓનો આ એક બીજા પ્રકારનો સંસાર બની જાય છે. ક્યો માણસ પોતાના કહેવાથી કેટલાં નાણાં ખર્ચી શકે એમ છે, હમણાં તે કેટલું કમાયો છે, શી લાલચ આપીશું તો એ નાણાં વાપરશે, ક્યા રાજદ્વારી નેતા સાથે સંબંધ રાખવા જેવો છે કે જેથી ધર્મનું કામ થઈ જાય, પોતાની પ્રસિદ્ધિ છાપાઓમાં આવે, બીજા કોઈ સાધુ સંન્યાસી પોતાના કાર્યનો ખોટો જશ ખાટી ન જાય તેની તકેદારી રાખવી વગેરે ઘણી ગડમથલ તેમના મનમાં ચાલતી હોય છે. પરંતુ જે આત્મસ્વભાવમાં રમે છે તેવા સાચા જ્ઞાનયોગીઓને તો ભવિષ્યનાં આવાં કોઈ આયોજનોની અપેક્ષા કે અભિલાષા રહેતી નથી.
એટલે જ ટાઢ હોય કે તડકો, સુખ હોય કે દુ:ખ, માન હોય કે અપમાન-સર્વે અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં તેઓ જરા પણ ચલિત થતા નથી. આમાં પણ સૂક્ષ્મ કસોટી કરનારા પ્રસંગો આવે ત્યારે એમની જાતની પરીક્ષા થતી હોય છે. કેટલાક કહેવાતા મહાત્માઓ એટલા વિનમ્ર હોય છે કે એમને ક્યાંય માનમોભો જોઈતાં નથી હોતાં, પરંતુ જો ક્યાંક એમની અવહેલના થાય ત્યારે, સરખું સ્થાન ન મળ્યું હોય, અથવા પોતાનાથી નાનાને પોતાના કરતાં ઊંચું સ્થાન મળ્યું હોય ત્યારે એમના ચહેરાની રેખાઓ બદલાઈ જતી હોય છે. તેઓ અંદરથી નારાજ છે એ વાતની ચાડી એમનો ચહેરો ખાઈ જાય છે. માન અને અપમાન બંનેમાં જે સ્વસ્થ રહે, સમત્વ ધારણ કરે તે જ્ઞાનયોગીનું લક્ષણ છે, ભૂષણ છે. શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજે કહ્યું છે :
માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિદક સમ ગણે રે, ઇસ્યો હોય તે જાણ રે. સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે.
મુક્તિ સંસાર બિહુ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે. જેઓ આત્મજ્ઞાનની ઉચ્ચ દશા પ્રાપ્ત કરે છે તેઓ પોતાના આત્મસ્વભાવમાં સવિશેષ સ્થિર થવાથી તેઓનું બાહ્ય જગત પ્રત્યેનું લક્ષ નીકળી ગયું હોય છે. એટલે જ તેઓ માન અને અપમાન બંનેમાં સમતા ધારણ કરે છે. કેટલાક અપમાન પ્રત્યે પ્રતિક્રિયા કરતા નથી, પણ માન-સત્કારથી હર્ષ અનુભવે છે, તો કેટલાક માનસત્કારથી હર્ષિત થતા નથી, પણ અપમાન-અવહેલના વખતે એમની વાચિક અથવા
૩૦૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org