________________
અધ્યાત્મસાર
સર્જન થાય નહિ. પ્રકૃતિ જડ છે. એટલે ફક્ત પ્રકૃતિથી પણ વિશ્વનું સર્જન થાય નહિ. પરંતુ પુરુષ અને પ્રકૃતિ ભેગાં મળે તો તેથી વિશ્વનું સર્જન થાય છે.
કેવી રીતે આ સર્જન થાય છે ? સાંખ્યો કહે છે કે અંધપંગુન્યાયે આ સર્જન થાય છે. જંગલમાં ભૂલો પડેલો એક આંધળો અને એક લંગડો બંને પોતાની મેળે એકલા જંગલમાંથી નીકળી શકે નહિ. પરંતુ આંધળાના ખભા ઉપર લંગડો બેસી જઈને રસ્તો બતાવે તો બંને નીકળી શકે. ગરજ બંનેને છે. તેવી રીતે પુરુષ અને પ્રકૃતિના સંયોગથી જગતનું નિર્માણ થાય છે.
વસ્તુતઃ જગત પ્રકૃતિમાં બીજરૂપે રહેલું હોય છે. સૃષ્ટિના સર્જન પહેલાં સત્ત્વ, રજસ્ અને તમસ એ ગુણો પ્રકૃતિમાં સમાન ભાવે, સરખે અંશે રહેલા હોય છે, પરંતુ પુરુષના સાન્નિધ્યમાં આવતાં પ્રકૃતિના આ ત્રણે ગુણોની સમતુલા ખોરવાય છે. ગુણોમાં એક પ્રકારનું આંદોલન ઉત્પન્ન થાય છે. “ગુણક્ષોભ” થાય છે. આ સ્પંદનને લીધે ગુણો વચ્ચે સંઘર્ષ થાય છે. પ્રત્યેક ગુણ બીજા બે ગુણ ઉપર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરે છે. એમાંથી આ ત્રિગુણાત્મક સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એમાં ક્યાંક એક ગુણનું તો ક્યાંક અન્ય ગુણનું પ્રાધાન્ય જોવા મળે છે.
પુરુષ અને પ્રકૃતિનો સંયોગ થતાં પ્રકૃતિમાં પરિણમન થાય છે. પ્રકૃતિ વિકારી બને છે. એમાંથી એનું સૌથી મહત્ત્વનું અંગ તે બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એટલા માટે બુદ્ધિને “મહત્’ કહેવામાં આવે છે. આ બુદ્ધિના આઠ ધર્મ છે : ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય. એને કારણે જીવને સુખદુઃખનો અનુભવ થાય છે.
પ્રકૃતિમાંથી બુદ્ધિ પછી અહંકારની ઉત્પત્તિ થાય છે. પુરુષ (આત્મા) આ અહંકારને વશ થઈ ‘ સુખી છું', “હું દુઃખી છું એમ સમજી પોતે સર્વ ક્રિયાનો કર્તા અને ભોક્તા છે એમ માને છે. પરંતુ એ એનો ભ્રમ છે.
સાત્ત્વિક અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન એમ અગિયાર ઉત્પન્ન થાય છે. પાંચ જ્ઞાનેન્દ્રિય તે કાન (શ્રવણેન્દ્રિય), આંખ (ચક્ષુરિન્દ્રિય), નાક (ધ્રાણેન્દ્રિય), જીભ (રસેન્દ્રિય) અને ત્વચા (સ્પર્શેન્દ્રિય) છે. પાંચ કર્મેન્દ્રિય તે મુખ, હાથ, પગ, મળદ્વાર અને જનનેન્દ્રિય છે.
તામસ્ અહંકારમાંથી પાંચ તન્માત્રા ઉત્પન્ન થાય છે. આ તન્માત્રા તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ.
રાજસ્ અહંકાર સાત્ત્વિક અહંકારને અને તામસ અહંકારને મદદરૂપ થાય છે.
પાંચ તન્માત્રામાંથી પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થાય છે. આ પાંચ મહાભૂતો તે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી.
આ રીતે સાંખ્ય દર્શન પ્રમાણે જગતની ઉત્પત્તિ થાય છે. તેઓ કહે છે કે જેમ દૂધમાંથી એની મેળે જ વિકાર થતાં દહીં થાય છે તેમ પ્રકૃતિ એની મેળે જ પરિણમે છે.
આ સાંખ્ય દર્શનની માન્યતા છે.
૨૩૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org