________________
પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર
વિશેષાર્થ : આ અધિકારમાં મમતાનું સ્વરૂપ સમજાવ્યા પછી અંતે ગ્રંથકાર મહર્ષિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે કે આવી મમતાનો જો નાશ કરવો હોય તો તે માટે બે શસ્ત્રો છે :. જિજ્ઞાસા અને વિવેક. જિજ્ઞાસાથી વસ્તુનું આંતર અને બાહ્ય સ્વરૂપ સમજી શકાય છે. વિવેકથી તેમાં શું હેય છે અને શું ઉપાદેય છે તે પારખી શકાય છે. દુશ્મનનો નાશ કરવો હોય તો દુશ્મન કેવા પ્રકારનો છે અને એની તાકાત કેટલી છે તે જાણવું જોઈએ. વળી તેનો નાશ કરવા માટે કઈ યુક્તિપ્રયુક્તિ કામ લાગશે તે વિચારવું જોઈએ. અંધારામાં ગમે ત્યાં જોરજોરથી ડાંગ ફંગોળવાથી દુશ્મનને તે વાગતી નથી અને આપણે થાકી જઈએ છીએ. પરંતુ દુશ્મન ક્યાં છે તે બરાબર પારખી લઈને તે દિશામાં જોરથી ફટકો મારવાથી તે દુશ્મનને બરાબર વાગે છે. તેવી રીતે મમતારૂપી વૈરિણીનો જો નાશ કરવો હોય તો તે જિજ્ઞાસા અને વિવેકથી કરી શકાશે. જિજ્ઞાસા અને વિવેકથી તત્ત્વદૃષ્ટિ ખીલે છે અને એથી મમતાનું સાચું સ્વરૂપ સમજાય છે. યાદ રાખવું કે મમતા એ કોઈ એવી કાચીપોચી દુશ્મન નથી કે થોડી વારમાં જીતાઈ જાય. તેણે તો અનંતકાળથી સંસારના અસંખ્ય લોકોને હરાવ્યા છે. લોભામણા સ્વરૂપથી, છળકપટ કરીને, રૂપ બદલીને, કંઈક મહાત્માઓને એણે લલચાવ્યા છે અને પરાજિત કરી પછાડ્યા છે. માટે એવી મમતાનો નિગ્રહ કરવા માટે બહુ હોશિયારીથી અને સાવચેતીથી અડગપણે આગળ વધવું જોઈશે. જિજ્ઞાસા અને વિવેક એ બે, એ માટે ધારદાર અને અસરકારક શસ્ત્રો છે. કોઈ કહે કે મમતાનો નાશ કરવાની જરૂર શી છે ? ભલે ને એ એનું કામ કરતી. તો એનો ઉત્તર એ છે કે મમતા એ અધ્યાત્મની વૈરિણી છે. તમે એનો નાશ નહિ કરો તો એ તમારી અધ્યાત્મશક્તિનો નાશ કર્યા વગર નહિ રહે. મમતાને એવી દયાળુ સમજશો નહિ. એ પોતાનો દાવ ખેલ્યા વગર રહેશે જ નહિ. યુદ્ધમાં બેમાંથી એક અવશ્ય પરાજિત થાય છે. મમતા અને અધ્યાત્મના યુદ્ઘમાં જો તમારી મમતાનો પરાજય નહિ થાય તો તમારા અધ્યાત્મનો પરાજય નિશ્ચિત જ છે. માટે જિજ્ઞાસા અને વિવેક વડે વેળાસર મમતાનો પરાજય કરવો એ તમારે માટે કર્તવ્યરૂપ છે અને તમારા આત્માના જ હિતમાં છે.
Jain Education International2010_05
इति ममतात्यागाधिकारः । મમતાત્યાગ અધિકાર સંપૂર્ણ.
૧૨૮onal Use Only
For Privat
www.jainelibrary.org