________________
અલ્પ શક્તિ અને ક્ષયોપશમાનુસાર, સ્વયં સ્વાધ્યાય-અભ્યાસ કરી વિનમ્રભાવે કરૂં છું.
ન્યુયોર્ક જૈન સંઘના શ્રાવક-શ્રાવિકાગણ આવા વિષયો સરળતાથી સમજે, પોતાની ધર્મરૂચિ વધારે, જિજ્ઞાસા સંતોષે, કર્મો બાંધતા બચે અને પરંપરાએ પરમપદને પામે, એ શુભાશયથી, સ્વ-પર શ્રેયરૂપ પ્રવૃત્તિ થાય છે. વૈયાવચ્ચ ગુણધારક શ્રાવક શ્રી પ્રવિણભાઈ કાન્તિભાઈ વાકાણી તથા તેમના સહધર્મચારિણી ભાવશ્રાવિકા બેનશ્રી ભાવિનીબેન, છેલ્લા ઘણા વર્ષોથી, મને ન્યુયોર્ક સંઘમાં પણ સ્વાધ્યાય કરાવવાનો લાભ ભાવપૂર્વક આપે છે. આ શુભ કાર્યમાં સહભાગી થવા બદલ આ ગુણવાન દંપતિને મારા અંતરના અહોભાવપૂર્વક પ્રણામ.
ન્યુયોર્ક સંઘમાં મારા સ્વાધ્યાય દરમ્યાન શ્રુતપિપાસુ સુશ્રાવક શ્રી પ્રફુલ્લભાઈ શેઠ તથા તેમના ધર્મપત્ની શ્રાવિકા બેનશ્રી જ્યોતિબેન શેઠનો મને પરિચય થયો. સ્વાધ્યાય-વિષયક મારા લખાણોનું એક પુસ્તકરૂપે પ્રકાશન કરવાની ભાવના શ્રી પ્રફુલ્લભાઈને થઈ. તેઓનો આશય માત્ર એટલો જ કે શ્રદ્ધા, વિવેક અને ક્રિયાનો સુમેળ ધરાવતા દેશવિદેશના શ્રાવકોના ઘરમાં આ પ્રકાશન ધર્મલાભપૂર્વક પ્રતિષ્ઠિત થાય. તેઓની દ્રવ્ય સહાય પણ આ પ્રકાશનને સાંપડી. આવી જિનમંગલ ભાવના બદલ શ્રી શેઠ પરિવારનો ખૂબ ખૂબ આભાર અને અપાર અનુમોદના.
શ્રી વીર વચનામૃતના ટાંકણે ઘડતર કરી પરમ વત્સલભાવે જેઓએ ભારતથી પધારીને અમેરીકા દેશમાં અમને સૌને આધ્યાત્મિકતાના પાન કરાવ્યા છે, તેવા ઓજસ્વી, તેજસ્વી અને વર્ચસ્વી, બહુશ્રુતા જીવનદીપિકા પરમોપકારિણી પૂજય શ્રી સુનંદાબેન વોહોરાના આ પ્રકાશન કાર્યમાં આશીર્વાદ આપવા તેમજ સર્વાગી માર્ગદર્શન માટે વિનંતી કરી. પૂજય બેનશ્રીએ અમારી વિનંતી ઉદારતાપૂર્વક સ્વીકારતાં અમારા આનંદની અવધિ વૃદ્ધિ પામી. મારા જેવા અલ્પજ્ઞ આત્માએ લખેલ સાહિત્યનું સંકલન પ્રકાશિત કરવામાં આશીર્વાદદાતા પૂજય બેનશ્રીને હું હૃદયભાવે વંદના કરું છું.
- પૂજય બેનશ્રીના દરેક શબ્દ અર્થપૂર્ણ, ઉપદેશક અને અનુભવથી સભર હોય છે. પૂજય બેનશ્રીના આધ્યાત્મિક પત્રો દ્વારા, તેઓશ્રીની પ્રેરણા અને પ્રોત્સાહને, મારો વિદ્યાવ્યાસંગ ચાલતો રહ્યો છે. અંતરના અજવાળે પંથ કાપવામાં પૂજય બેનશ્રીનું મહત્વનું અને મનનીય માર્ગદર્શન અમ સૌ માટે શ્રાવકજીવનનો સથવારો બને છે. વૈરાગ્યતત્ત્વ અને સમાધિતત્ત્વ બંનેના રહસ્ય અમે આપની પાસેથી શીખ્યા છીએ તે બાબત વિશેષ શું લખું ?
આ અવસર, મારા જન્મદાતા અને સંસ્કારદાતા ઉપકારી પૂજય માતુશ્રી (કમળાબેન) તથા સ્વ. પૂજય પિતાશ્રી (ચુનીલાલ) પ્રત્યે મારું જીવન ઋણ દર્શાવું છું. મારી ધર્મપ્રવૃત્તિમાં અનન્ય સાથ અને સહકાર બદલ મારા ધર્મપત્ની તપસ્વિની અને ભાવશ્રાવિકા શ્રી અરૂણાબેનનો આભાર માનું છું. સાથે સાથે, મારા બન્ને સુપુત્રો ચિરંજીવી રીપલ તથા જીપલ પરિવારનો ભાવપૂર્વક સહયોગ બદલ તેઓનો પણ આ પ્રસંગે આભાર માનું છું.
સ્વાધ્યાયના વિષયોનું લખાણ અને વખતોવખત મારા લખેલ અનેક પત્રોમાંથી થોડાક પસંદ કરેલા પત્રોના આ સંકલનમાં જે કાંઈ લખાયું છે, તેમાં જિનાજ્ઞા અનુરૂપ છે તે સર્વે પૂજય ગુરૂ ભગવંતોનું છે અને આધારગ્રંથોના પૂજય ગ્રંથકારોશ્રીના આશય અનુસારનું છે. જે કાંઈ ભૂલ હોય તે મારા છદ્મસ્થપણાને કારણે છે. તે માટે ત્રિવિધ ત્રિવિધ મારા મિચ્છામિ દુક્કડમ્.
- રજની શાહ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org