________________
થઈ ગયું અને હૃદયમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. શરીરમાં અશક્તિ હોવાની વાત તો શ્રી લક્ષ્મણભાઈ વારંવાર લખતા રહેતા, પૂજ્ય મહારાજશ્રીએ પણ પંન્યાસ શ્રી નેમવિજયજી મહારાજ ઉપરના છેલ્લા પત્રમાં અશક્તિ હોવાનું સૂચવ્યું હતું. એ વાત જ છેવટે સાચી પડી, અને મહારાજશ્રી સદાને માટે વિદાય થયા!
વિ. સં. ૨૦૧૭ના જેઠ વદિ ૬, તા. ૧૪-૬-૭૧ને સોમવારનો દિવસ રાત્રિના ૮-૫૦નો સમય. મહારાજશ્રીએ પ્રતિક્રમણ કરીને સંથારાપોરસી ભણાવી લીધી; અને, જાણે પોતાનો કાર્યકાળ પૂરો થયો હોય અને હમેશને માટે સંથારો કરવા (પોઢી જવા) માગતા હોય એમ, શ્રી લક્ષ્મણભાઈ સાથે વાત કરતાં કરતાં, બેચાર મિનિટમાં જ, તેઓ સ્વર્ગવાસી થઈ ગયા! છેલ્લી પળો પૂરી સમાધિ, શાંતિ અને સ્વસ્થતામાં વીતી; ન કોઈ વેદના કે ન કશી માયા-મમતા, વીતરાગના ધર્મના સાધક વીતરાગભાવ કેળવી જાણીને પોતાના જીવનને ઉજ્જવળ અને ધન્ય બનાવી ગયા ! ધન્ય મુનિરાજ!
પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજની ઈચ્છા મુજબ શ્રી લક્ષ્મણભાઈએ છેલ્લા કાગળમાં લખ્યું હતું કેઅશક્તિ ખૂબ છે એટલે આરામ માટે ઉપાશ્રય સિવાય બીજે ક્યાંક રહેવું પડશે.”—એવાણી આપણા માટે કેવી વસમી રીતે સાચી પડી ! ભવિતવ્યતાના ભેદ અને કુદરતના સંકેતને કોણ પામી શક્યું છે?
યુગદષ્ટ આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના કાળધર્મ અંગે પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજે રાધનપુર નિવાસી મુંબઈમાં રહેતા ગુરુભક્ત શ્રી મણિલાલ ત્રિકમલાલ શાહ ઉપર, અમદાવાદથી, વિ. સં. ૨૦૧૦ના આસો સુદિ ૧૪ના રોજ લખેલ પત્રમાં લખ્યું હતું કે- “આવા મહાપુરુષો સ્વર્ગવાસી થાય ત્યારે હાથતાળી આપવા જેવું જ લાગે છે. પણ એવા પુરુષો માટેનું મરણ એવું જ હોવું ઘટે.”પરમપૂજ્ય મહારાજશ્રીએ લખેલા આ શબ્દો એમને પોતાને જ કેવા લાગુ પડે છેઆપણે જોતા રહ્યા અને તેઓ હાથતાળી આપીને ચૂપચાપ ચાલતા થયા!
પરમપૂજ્ય શ્રી આગમપ્રભાકરજી મહારાજ માટે તો, વધુ ઉચ્ચ સ્થાન માટેનું આ એક સ્થળાંતર માત્ર જ હતું; પણ આવા સમતા, સાધુતા અને સરળતાના સાક્ષાત્ અવતાર સમા અને જ્ઞાનજ્યોતિથી પોતાના અંતરને તથા પોતાની આસપાસના સૌ કોઈના અંતરને પ્રકાશમાન અને પ્રસન્ન કરી મૂકનાર સંત પુરુષના જવાથી આપણે કેટલા રંક બન્યા છીએ એનો અંદાજ મેળવવો શક્ય નથી.
પણ હવે તો એ જ્ઞાનજ્યોતિનું સ્મરણ, વંદન અને યથાશક્તિ અનુસરણ કરવું એ જ આપણા હાથની વાત છે.
નમો નમો નાણદિવાયરસ્સા (મહારાજશ્રીને દીક્ષા લીધે સાઠ વર્ષ થયાં તે નિમિત્તે, વડોદરામાં ઉત્સવ થયો તે પ્રસંગે, “જ્ઞાનાંજલિ” ગ્રંથ પ્રકાશિત થયો હતો, આ ગ્રંથમાં મેં“પૂજ્ય આગમપ્રભાકરશ્રીજીની જીવનરેખા” નામે મહારાજશ્રીનો કંઈક વિસ્તારથી પરિચય આપ્યો હતો. એમાં ઠીક ઠીક સુધારા-વધારા કરીને તેમ જ નવું લખાણ પણ સારા પ્રમાણમાં ઉમેરીને આ લખાણ તૈયાર કર્યું છે. ૬, અમુલ સોસાયટી, અમદાવાદ-૩; વિ.સં. ૨૦૨૯, ચૈત્ર વદિ ૮, ગુરુવાર, તા. ૨૬-૪-૧૯૭૩,-૨. દી. દેસાઈ)
*
*
*
શ્રી પુણ્યચરિત્રમ્
62
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org