________________
જિનવિજયજીએ, સુંદર અને વિશાળ શ્રી હરિભદ્રસૂરિ સ્મૃતિમંદિર બનાવરાવ્યું છે, તેની પ્રતિષ્ઠા મહારાજશ્રીની હાજરીમાં થાય એવી શ્રી જિનવિજયજીની ઈચ્છા પૂરી કરવા માટે, ગુજરાતની દિશામાં વિહાર કરીને વચ્ચેથી ચિત્તોડ તરફ વિહાર કરવો એ. સમતાભરી સાધુતા અને સમતાભરી વિદ્વત્તાની મૂર્તિ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિ પ્રત્યે મહારાજશ્રી અનન્ય ભક્તિ ધરાવતા હતા, એટલે એમના અંતરમાં આવી ભાવના જાગે એ સ્વાભાવિક હતું. મારા જેવાને તો આ બન્ને વિચારો બેચેન બનાવે એવા હતા. મારી તો એક જ ઝંખના હતી કે મહારાજશ્રી બને તેટલા વહેલા અમદાવાદ પહોંચે. પણ આમાંની એક પણ ભાવના ક્યાં સફળ થવાની હતી?
પછી તો, મહારાજશ્રીની તબિયત વધુ નબળી થતી ગઈ. પ્રોસ્ટેટ ગ્લેંડ મોટી થવાને કારણે તથા હરસને કારણે ઠઠ્ઠા-માત્રાની તકલીફ હવે વધારે પરેશાન કરવા લાગી. હરસને લીધે લોહી પણ વધારે પડવા લાગ્યું અને શરીરની અશક્તિમાં વધારો થતો ગયો. આવી ચિંતાકારક સ્થિતિમાં પણ મહારાજશ્રીની પ્રસન્નતા તો એવી ને એવી જ હતી, એનો હું પણ સાક્ષી છું. આ બધા સમય દરમ્યાન કંઈક ને કંઈક ઉપચાર તો ચાલુ જ હતા, પણ એની ધારી કે કાયમી અસર ભાગ્યે જ થતી.
આ અરસામાં જાણવા મળ્યું કે મદ્રાસના કોઈ હકીમ હરસમસાને એવી કુશળતા અને સિફતથી કાઢી આપે છે કે જેથી દર્દીને ન તો કંઈ વેદના થાય છે કે ન તો એને લીધો લોહી પડે છે. જેમણે આવો ઉપચાર કરાવ્યો હતો એવા થોડાક દર્દીઓનો અનુભવ પૂછીને આ વાતની ખાતરી કરી લીધી અને મહારાજશ્રીના દુઝતા હરસનો ઉપચાર આ હકીમ પાસે કરાવવાનું નક્કી કર્યું. તા. ૨૩-૩-૧૯૭૧ના રોજ, વાલકેશ્વરમાં, આ હકીમે મહારાજશ્રીના હરસમસા કાઢી લીધા તે વખતે શ્રી દલસુખભાઈ તથા હું અમે બન્ને હાજર હતા. ન કોઈ જાતની વેદના, ન કશી બેચેની. આ પ્રયોગ પછી મહારાજશ્રી બિલકુલ સ્વસ્થ લાગ્યા. આ જોઈને અમે એક જાતની નિરાંત અનુભવી. છતાં શરીર ઠીક ઠીક અશક્ત થયું હતું અને વિહાર કરી શકાય એવી સ્થિતિ હવે રહી ન હતી, તેથી મહારાજશ્રીને ત્રીજું ચોમાસું પણ મુંબઈમાં જ રહેવાનું નક્કી કરવું પડ્યું.
પણ આ ઉપચાર સફળ ન થયો, આ રાહત બહુ અલ્પજીવી નીવડી અને લોહી પડવું ચાલુ રહ્યું, એટલે બીજા બીજા સૂઝ્યા અને યોગ્ય લાગ્યા તે ઉપચારો ચાલુ રાખવાનું અનિવાર્ય બની ગયું. પણ કોઈ ઉપચાર કારગત ન થયો—દર્દ પણ જાણે હઠીલું રૂપ લઈને આવ્યું હતું!
મારે એપ્રિલ માસમાં વિદ્યાલયના કામે મુંબઈ જવાનું થયું એટલે મારા મિત્ર શ્રી કાંતિભાઈ કોરા તથા હું અવારનવાર મહારાજશ્રી પાસે જતા; એમની તબિયત જાતે જોવાની ચિત્તમાં, એ દિવસોમાં, એક જાતની સચિંત ઉત્સુકતા રહેતી; કારણ કે ઉપચારોની કશી ધારી અસર નહોતી થતી, અને અસ્વસ્થતા તથા અશક્તિ વધતી જતી હતી. છેલ્લે છેલ્લે મેં મહારાજશ્રીનાં દર્શન વિ. સં. ૨૦૨૭ના ચૈત્ર વદિ૦)), તા. ૨૫-૪-૧૯૭૧ ને રવિવારના રોજ બપોરના બારેક વાગતા કર્યાં; તે પછી હું અમદાવાદ આવ્યો. એ વખતે કોણ જાણતું હતું કે જેમની સ્ફટિક સમી નિર્મળ અને હેતાળ સાધુતાનો સંપર્ક સાધવાનો લાભ આટલાં વર્ષોથી મળ્યો હતો, એમનું મારા માટે આ છેલ્લું દર્શન હતું ? રે વિધાતા !
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
56
www.jainelibrary.org