________________
હસ્તાક્ષરમાં લખાયેલી કોઈ અધૂરી પ્રત તેઓને મળી આવી હતી! એમ પણ કહી શકાય કે શ્રી યશોવિજયજી મહારાજ જેવી જ્ઞાનવિભૂતિના નિર્વાણને લીધે વિદ્યાતીર્થ બનેલ ડભોઈની ભૂમિના સંપર્ક પણ મહારાજશ્રીને વિદ્યાસાધનાની પ્રબળ પ્રેરણા આપી હશે.
મહારાજશ્રી પોતાના વિદ્યાભ્યાસની વાત કરતાં કહેતા કે કોઈ પણ વિષયનો એકધારો સળંગ અભ્યાસ કરવાનું મારા જીવનમાં બહુ ઓછું બન્યું છે. વળી, અમુક વર્ષો સુધી એકાગ્ર બનીને અભ્યાસ કર્યો અને પછી પ્રાચીન પ્રતો વાંચવાનું કે પ્રાચીન ગ્રંથોનું સંશોધનનું કામ શરૂ કર્યું એવું પણ નથી બન્યું. કંઈક પૂર્વસંસ્કાર કહો, કંઈક વડીલોની કૃપા કહો કંઈક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહો, મોટે ભાગે, વિદ્યાભ્યાસ અને શાસ્ત્રસંશોધનનું કામ સાથે સાથે સાથે જ ચાલતાં રહ્યાં; અને, કામ કામને શીખવે એમ, શાસ્ત્રોનું વાચન અને સંશોધન કરતાં કરતાં નવા નવા વિષયોનું જ્ઞાન મળતું રહ્યું. એ કહેવાની જરૂર નથી કે આના પાયામાં મહારાજશ્રીની નિર્મળ તેજસ્વી બુદ્ધિ, સત્યને પામવાની ઝંખના, કોઈ પણ વિષયને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા અને તે વિષયના મૂળ સુધી પહોંચવાની અને એના વિસ્તારને પણ સમજવાની ધીરજ અને તાલાવેલી રહેલી હતી.
આમ અભ્યાસ અને વિદ્યાપ્રવૃત્તિ સાથે સાથે ચાલતાં રહેવા છતાં તેઓએ જુદા જુદા વિદ્વાનો પાસે જે કંઈ અભ્યાસ કોર્ય હતો, તેની મુખ્ય વિગતો આ પ્રમાણે છે :
દીક્ષાના પહેલા વર્ષમાં મહારાજશ્રીએ દાદાગુરુ અને ગુરુશ્રીની નિશ્રામાં બધા પ્રકરણગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો - જાણે શાસ્ત્રીય બોધનો પાયો નંખાયો. બીજે વર્ષે વસોના શ્રાવક શ્રી ભાયલાલભાઈ પાસે માર્ગોપદેશિકાનો અભ્યાસ કર્યો. તે પછી પંડિત શ્રી નિત્યાનંદજી શાસ્ત્રી પાસે સિદ્ધહેમ લઘુવૃત્તિ, હેમલઘુપ્રક્રિયા, ચંદ્રપ્રભા વ્યાકરણ, હિતોપદેશ, દશકુમારચરિત વગેરેનું પરિશીલન કર્યું. પાળિયાદવાળા પંડિત શ્રી વિરચંદભાઈ મેઘજી પાસે લઘુવૃત્તિનો અધૂરો અભ્યાસ પૂરો કર્યો, અને કાવ્યોનું વાચન કર્યું. આ સમય દરમ્યાન દાદાગુરુશ્રી અને ગુરુશ્રીની ઊંડી વિઘાવૃત્તિ અને જ્ઞાનોદ્વારની પ્રવૃત્તિના સંસ્કારો તો પોતાનું કામ કરતા જ હતા. એમની સંશોધનની પ્રવૃત્તિ જોઈને કે જ્ઞાનોદ્ધારની એમની વાતો સાંભળીને મહારાજશ્રીને એમ તો લાગતું જ કે આ કંઈક સારું કામ થઈ રહ્યું છે, અને આવું કામ આપણે પણ કરવા જેવું છે—જાણે પૂર્વજન્મનો કોઈ સંસ્કાર અને ભવિષ્યનો કોઈ કાર્યયોગ જ કામ કરી રહ્યો હતો!
એવામાં જૈન દર્શન તેમજ ભારતીય બધાં દર્શનોના ઊંડા અભ્યાસી પંડિતવર્ય શ્રી સુખલાલજીની પાસે અભ્યાસ કરવાનો યોગ બની ગયો. પાટણ અને વડોદરામાં, વિ.સં. ૧૯૭૧ ને ૧૯૧૨ માં, મહારાજશ્રીએ પંડિતજી પાસે કાવ્યાનુશાસન, તિલકમંજરી, તર્કસંગ્રહ અને છંદોનુશાસનના અભ્યાસ કર્યો. આ ગ્રંથોના અભ્યાસ નિમિત્તે અને પંડિતજીના બહોળા જ્ઞાનને લીધે, બીજી અનેક બાબતો પણ આપમેળે જ અધ્યયનના ક્ષેત્રમાં આવી જતી. અને એ રીતે જ્ઞાનના સીમાડાનો અને દષ્ટિનો વિકાસ થતો ગયો. આ અરસામાં પાટણથી શ્રી કેસરિયાજી તીર્થનો સંઘ નીકળ્યો, તેમાં મહારાજશ્રી સાથે પંડિતજી પણ ગયેલા અને એ સંઘમાં પણ વિદ્યાભ્યાસ ચાલુ રહેલો ! આ રીતે જ્યારે એક બાજુ પંડિતજી પાસે આવું અધ્યયન ચાલતું હતું ત્યારે બીજી બાજુ મહારાજશ્રી પ્રાચીન પ્રતોના પાઠાંતરો મેળવવાનું તેમજ શાસ્ત્રીય ગ્રંથોનાં પ્રુફ તપાસવાનું કામ પણ વિશ્વાસપૂર્વક કરતા થઈ ગયા હતા.
શ્રી પુણ્યચરિત્રમ્
24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org