________________
સદ્ગત ચતુરવિજયજી મહારાજ સાથે પાટણમાં કેટલાંક વર્ષ સ્થિર વાસ કરીને રહેલા હતા. પાટણમાં મણિયાતી પાડામાં આવેલા સાગરના ઉપાશ્રયના માળ ઉપર એક વિશાળ ખંડમાં દાદરાની સામે આશરે નેવું વર્ષના વૃદ્ધ પ્રવર્તકજી મહારાજનું આસન રહેતું; તેમની બાજુમાં પૂજ્ય ચતુરવિજયજી અને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનાં આસનો તથા પાસે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના વડીલ ગુરુબંધુ સદ્ગત પૂજ્ય મેઘવિજયજી મહારાજનું આસન - એવી વ્યવસ્થા રહેતી. એ વિશાળ ખંડની અંદરના એક ઓરડામાં પ્રાચીન હસ્તપ્રતોના ઉત્સાહી સંગ્રાહક સ્વ. પૂજ્ય જશવિજયજી મહારાજ અને તેમના ગુરુબંધુ સ્વ. પૂ. ન્યાયવિજયજી મહારાજ રહેત..
જૈન ઉપાશ્રયમાં ધર્મારાધનનું વાતાવરણ તો હોય જ એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે. પણ સાગરના ઉપાશ્રયમાં ઉત્કટ વિદ્યાપ્રેમ અને સતત જ્ઞાનસાધનાનું વાતાવરણ હતું એની ઊંડી છાપ મારા બાલમાનસ ઉપર પડેલી છે. આંખોના નીર ઊંડાં ગયાં હોય એવી સ્થિતિમાં પણ પ્રવર્તકજી મહારાજ હસ્તપ્રતો તપાસતા હોય અને વાંચતા વાંચતા શ્લોકસંખ્યાનાં કે બીજાં અગત્યનાં સ્થાનોએ લાલ નિશાનીઓ કરતા હોય. ચતુરવિજયજી મહારાજ અને પુણ્યવિજયજી મહારાજની સામે, મુંબઈના નિર્ણયસાગર પ્રેસમાં છપાતાં તેમનાં સંસ્કૃત, પ્રાકૃત સંપાદનોનાં પ્રુફના થોકડા પડચા હોય. એ તપાસવા ઉપરાંત નવાં સંશોધનોનાં અને પ્રેસ-કોપીઓની મેળવણીનાં કામો ચાલતાં હોય. દેશપરદેશના વિદ્વાનો વારંવાર આવી ચઢતા હોય અને તેમની સાથે વિવિધ પ્રકારની જ્ઞાનચર્ચાઓ ચાલતી હોય. લગભગ સાડત્રીસ વર્ષ બાદ, આપણા દેશની તેમજ વિદેશની અનેક વિદ્યાસંસ્થાઓના અનુભવ પછી લખું છું કે સાગરના ઉપાશ્રયનું વાતાવરણ કોઈપણ દેશની વિશિષ્ટ સંશોધન-સંસ્થાની બરોબરી કરે એમ હતું. અથવા એમ કહું કે એવી સંસ્થાઓ કરતાં ચઢિયાતું હતું તો પણ કશી અત્યુક્તિ નથી, કેમ કે ધારાધોરણ કે દરખાસ્તોની જંજાળો કે ઓફિસ-કામની પળોજણોનો ત્યાં સદંતર અભાવ હતો. સોલંકી યુગના પાટણમાં સ્થળે સ્થળે આવેલા ઉપાશ્રયો તેમજ સહસ્ત્રલિંગ સરોવરના તીરપ્રદેશના વિદ્યામઠોની સારસ્વત સમદ્ધિનું સાતત્ય જાણે કે ત્યાં અનુભવાતું હતું.
ગુજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મન્દિરનું કામકાજ કેટલાંક વર્ષ પહેલાં આટોપાઈ ગયું હોઈ એ પ્રકારના સંશોધનકાર્ય કરનાર ગુજરાતમાં એક જ સંસ્થા તે સમયે હતી - અને વડોદરાનું પ્રાચ્ચવિદ્યામન્દિર (ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ). આવી સંસ્થાના સંશોધકો અને અધ્યાપકોના માર્ગદર્શન અને સંપર્કથી મળી શકે એથીયે અદકો લાભ ગુજરાતના એક ખૂણે આવેલા પાટણમાં મને મળ્યો એને ઋણાનુબંધ ગણવો? સંશોધન માટેનાં પુસ્તકોની અનુકૂળતા પણ ત્યાં પર્યાપ્ત હતી. વળી, સંસ્થાઓમાં હોય એવું કચેરીના સમયનું બંધન કે અધ્યાપકો કે માર્ગદર્શક વિદ્વાનો સાથે મળવાનો કે કામ કરવાનો સમય અગાઉથી નક્કી કરવાનું નિયંત્રણ, એવું કશું ત્યાં નહોતું, એ પણ એક મોટું સ્વાતંત્ર્ય હતું.
ઉપાશ્રયે જવાનો મારો લગભગ દરરોજનો ક્રમ હતો. સ્કૂલમાં રજા કે વેકેશન હોય ત્યારે વધારે કલાકો ત્યાં હું ગાળી શકતો. પૂ. પુણ્યવિજયજી મહારાજે હસ્તપ્રતોનું વાંચન મને પહેલાં શીખવ્યું. પ્રવર્તકજી મહારાજ પાસે હસ્તપ્રતોના થોકડા પડચા હોય તે હું ઈચ્છા મુજબ ફેંદતો, તપાસતો કે વાંચતો. એમાંથી કેટલીક પ્રતો વિશેષ વાચન કે નકલ માટે હું ઘેર લઈ જતો. સચિત્ર વિજ્ઞપ્તિપત્રો પણ નિરીક્ષણ કે વાચન માટે ઘેર લઈ જવાની મના નહોતી! મહારાજશ્રી પાસે અનેક વિષયોની વાતો સાંભળતો અને તેમને અનેક પ્રશ્નો પૂછતો. એમના વડીલ
શ્રી પુણ્યચરિત્રમ્
134
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org