________________
જ્ઞાનની રુચિ, જ્ઞાન પ્રત્યે સાચું બહુમાન જ્ઞાનની પ્રગતિ કરવાની વૃત્તિ ધીમે ધીમે ઘટતી ગઈ.
આવા સમયે વિરલ સંતોની દિષ્ટ તે તરફ ખેંચાઈ. તે દિશામાં કાર્ય શરૂ થયું. પરમપૂજ્ય પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ તથા તેઓના વિદ્વાન સુશિષ્ય પૂજ્ય ચતુરવિજયજી મહારાજે તે દિશામાં ઘણું કર્યું. દાદાગુરુ શ્રી પ્રવર્તકજી મહારાજ અને પોતાના ગુરુજીના હાથ નીચે તૈયાર થઈ પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજે તે વારસાગત શ્રુતજ્ઞાનની ભક્તિને સ્વજીવનમાં સ્થાન આપ્યું, તે કાર્ય એ પૂજ્યશ્રીના જીવનના અંગરૂપે બની ગયું.
અનેક જ્ઞાનભંડારોને ચિરાયુષ્ય બનાવવા માટે નવેસરથી ડબ્બાઓ, કબાટો વગેરે તૈયાર કરાવીને પુનર્જીવન અર્પણ કર્યું છે. જેસલમેર જેવા દૂર વિકટ રણ પ્રદેશમાં ઉગ્ર વિહાર કરી ત્યાં પહોંચ્યા. તે મહાતીર્થની યાત્રા કરી, સાથે જ્ઞાનયાજ્ઞા કરી! તાડપત્રીઓના ટુકડાઓના કોથળાઓ અને પોટલાંઓ તેમની પાસે ઠલવાયાં! તેમાંથી ટુકડો ટુકડો કાઢી, જોડી અસ્તવ્યસ્ત પાનાંના ઢગલાઓ વ્યવસ્થિત કરીને અલભ્ય અનુપમ જ્ઞાનગ્રંથો ઉદ્ધર્યા! અપૂર્વ કાર્ય કર્યું!
ઘણીવાર તેઓ જ્ઞાનભક્તિમાં એવા લીન હોય છે કે જ્યારે સંપાદન કાર્ય કરતા હોય ત્યારે તેઓની સામે જઈ ઊભા રહો તો કેટલીયવાર સુધી તેઓને ખ્યાલ પણ ન આવે ! આવી છે તેઓની એકાગ્રતા ! અને સરળતા તો નાના બાળક જેવી ! ઉદારતા તો એમને જ વરેલી છે. માંડમાંડ એક પ્રત મળી હોય અને કોઈ જ્ઞાનપિપાસુ માગે તો વિના સંકોચે તેને આપી દે!
તેઓની શ્રુતભક્તિ, નિરભિમાનતા, નિરાડંબરતા, ઉદારતા આદિ ગુણો એમની એક એક વૃત્તિમાં ઉપર તરી આવે છે. એમણે તો સાચે જ જ્ઞાનની પરબ માંડી છે અને સાંપ્રદાયિકતા વિના, કોઈ પણ જાતના ભેદભાવ વિના, એનું પાણી એઓ સૌને પાયે જાય છે.
આવા જ્ઞાનયોગી આગમપ્રભાકર મુનિવર્ય પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજનો દીર્ઘકાલીન ૬૦વર્ષનો દીક્ષાપર્યાય થયો તે આપણા માટે અનેરી આનંદપ્રદ વાત છે. આ અવસરે દીક્ષાષષ્ટિપૂર્તિ ઉત્સવ ઉજવવો તે વાસ્તવમાં જ્ઞાન અને ચારિત્રની ભક્તિનો અપૂર્વ લાભ વડોદરા શ્રી સંઘે લીધો છે. આ શુભાવસરે પરમાત્મા પાસે એ જ પ્રાર્થના છે કે પૂજ્ય મહારાજશ્રી આરોગ્યપૂર્વક ચિરકાલ આગમ-સાહિત્યની સેવાનું કાર્ય કરતા રહે! તે કાર્યમાં તેઓને પ્રભુ પૂર્ણતયા સફળતા આપે! એ શુભેચ્છા સાથે વંદન હો આપણા એ જ્ઞાનયોગીને!
ઉદારચેતા પૂજ્ય આગમપ્રભાકરજી
પૂ. સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી
સત્તાવીસ વર્ષ પૂર્વે વિહાર કરતાં કરતાં પૂ. માતા-ગુરુદેવ આદિની સાથે યાત્રા નિમિત્તે પાટણ જવાનું થયું. ત્યાં દીર્ઘસંયમી, જ્ઞાનોપાસનારત અને પ્રતિભાસંપન્ન આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજય મહારાજ સાહેબની વિદ્વત્તાનાં ગુણગાન સાંભળીને દર્શન કરવાની અભિલાષા જાગી. સાથે સાથે કંઈક સંકોચ પણ થવા લાગ્યો કે આવા મહાવિદ્વાન વ્યક્તિ બીજા સમુદાયની વ્યક્તિઓની સાથે મન મૂકીને વાત કરશે કે કેમ? પરંતુ પ્રથમ દર્શને જ વિદ્વત્તાની સાથે તેઓની નિરભિમાન વૃત્તિ, નિખાલસતા અને ઉદારતાદિ સદ્દગુણોનો અનુભવ થયો.
શ્રી પુણ્યચરિત્રમ્
117
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org