________________
મહાપ્રતાપી અને જ્ઞાન અને ચારિત્રની સાક્ષાભૂર્તિ હતા. એમનું તેજ, બલ અને પરાક્રમ સૂર્ય જેવું અપૂર્વ હતું; અને પંજાબમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનધર્મના પુનરુદ્ધારનું ભગીરથ કાર્ય કરીને તેઓ જૈનધર્મના મહાપ્રભાવક જ્યોતિર્ધર બન્યા હતા. આવા ધર્મની જાજવલ્યમાન મૂર્તિ સમા મહાપુરુષના વરદ હસ્તે, વિ. સં. ૧૯૩૫માં માહ વદિ ૧૧ના રોજ, બન્ને મિત્રોએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. છગનલાલનું નામ મુનિ કાંતિવિજયજી અને છોટાલાલનું નામ મુનિ હંસવિજ્યજી રાખવામાં આવ્યું. મુનિ કાંતિવિજયજીની દીક્ષા પૂજ્ય મુનિરાજ શ્રી લક્ષ્મીવિજ્યજી મહારાજશ્રીના શિષ્ય તરીકે થઈ હતી, પરંતુ પાંચ વર્ષ બાદ એમની વડી દીક્ષા થઈ તે વખતે પૂજ્યવર્ય શ્રી લક્ષ્મીવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા હતા, એટલે તેઓને પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા. સાધુજીવનના આચારનું તેઓ ખૂબ સજાગપણે પાલન કરતા હતા, અને એમાં ખામી ન આવે એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખતા હતા, છતાં શ્રમણધર્મની જવાબદારીને તેઓ એટલી મોટી સમજતા હતા કે મુનિપદનું પાલન બરાબર થઈ શકે તો તેથી જ તેઓ પૂર્ણ સંતુષ્ટ હતા. એટલે તેઓશ્રીએ ક્યારેક કોઈ પદવીની ચાહના કરી ન હતી, એટલું જ નહીં, એનાથી હંમેશાં દૂર જ રહેતા હતા. છેવટે ૫૦ વર્ષની ઉંમરે વિ. સં. ૧૯૫૭માં, પાટણના શ્રીસંઘના અને સમુદાયના આગ્રહને કારણે, તેમણે પ્રવર્તક પદવીનો સ્વીકાર કર્યો હતો. આ પદવી પછી ૪૧ વર્ષ સુધી સાવ નિર્મોહ ભાવે, કેવળ ધર્મકર્તવ્યની બુદ્ધિથી અને કર્મોની નિર્જરા કરવાની વૃત્તિથી, વિવિધ રીતે શાસન, શ્રીસંઘ અને સમાજની સેવા કરીને, ત્રેસઠ વર્ષ જેટલા સુદીર્ઘ સમય સુધી નિર્મળ ચારિત્રનું પાલન કરીને, ૯૧ વર્ષની પરિપકવ વયે, વિ. સં. ૧૯૯૮ના અષાડ સુદિ ૧૦ને દિવસે, પાટણમાં તેઓશ્રી સ્વર્ગવાસી થયા. આ પહેલાં બે વર્ષ અગાઉ મારા પરમ ઉપકારી ગુરુશ્રી સ્વર્ગવાસી બન્યા હતા. ઉપરાઉપરી વડીલોનું શિરચ્છત્ર દૂર થઈ જવાથી હું એક પ્રકારની નિરાધારતા અનુભવી રહ્યો. પણ છેવટે સંયોગોની વિષયોગાન્તતાને વિચારીને અને મુખ્યત્વે પૂજ્ય દાદાગરુશ્રી અને ગુરુશ્રીએ આપેલ ત્યાગ-વૈરાગ્યના બળે મેં મારા મનને સ્વસ્થ કરવાનો અને યથાશક્તિ સંયમમાર્ગની આરાધના કરવા સાથે જ્ઞાનભક્તિ અને અધ્યયન-સંશોધનની સાધના દ્વારા ચિત્તને એકાગ્ર અને ગ્લાનિમુક્ત કરવાનો પ્રયત્ન કર્યો. શાસનના પ્રાણ સમા અને જૈન સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમા આપણા પ્રાચીન શાસ્ત્રગ્રંથો તેમ જ આપણા દેશના પ્રાચીન સાહિત્યની સાચવણી, એના સંશોધન-સંપાદન અને જ્ઞાનભંડારોની સુવ્યવસ્થા અને સ્થાપનાનું કામ મારા આ બંને ઉપકારી વડીલોને કેટલું પ્રિય હતું, તે કેવળ હું કે અમારા સમુદાયનાં સાધુ-સાધ્વીઓ જ નહીં, પણ તેઓના પરિચયમાં આવનાર જૈનજૈનેતર વિદ્વાનો પણ સારી રીતે જાણે છે. મારે કહેવું જોઈએ કે જ્ઞાનોવા અને જ્ઞાનોદ્ધારના તેઓના આ વારસાએ મને જીવનમાં ખૂબ સધિયારો આપ્યો છે, અને મારા ચિત્તને સદા પ્રસન્ન રાખ્યું છે. એક અદનો વારસદાર પોતાના વડીલો કે પૂર્વપુરુષો પાસેથી આથી વધારે સારો વારસો મેળવવાની શી અપેક્ષા રાખી શકે? મને તો એમ જ લાગે છે કે આજે પણ એ બન્ને પુણ્યચરિત પૂજ્યોની કૃપા મારા ઉપર સતત વરસી રહી છે.
શ્રી પુણ્યચચૈિત્રમ્
102
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org