________________
આ રીતે અહિંસા, સમભાવ અને અનેકાંતવાદની જીવનમાં એકરૂપતા સાધવાને લીધે પૂજ્ય દાદાગુરુશ્રીના જીવનમાં યોગીની એટલે કે મન-વચન-કાયાની પ્રવૃત્તિની એકરૂપતા અતિસહજપણે જ સધાઈ ગઈ હતી. વિચારવું કંઈક, બોલવું કંઈક અને વર્તન-વ્યવહાર કંઈક એવો ચિત્તની અસ્થિરતા કે મલિનતા દર્શાવતો વિસંવાદ ક્યારેય એમનામાં જોવામાં નથી આવ્યો. ગીતાર્થ, સંધસ્થવિર અને શાસનપ્રભાવક મહાપુરુષ કેવા હોઈ શકે, એ તેઓશ્રીના જીવનમાંથી બરાબર સમજી શકાતું હતું. તેઓ એવા શાંત, ધીરગંભીર, કોઠાડાહ્યા, ઓછાબોલા અને હેતાળ હતા કે એમના પરિચયમાં આવનાર નાની-મોટી વ્યક્તિ–એમાં ચતુર્વિધ સંઘમાંની ગમે તે વ્યક્તિનો કે બીજી પણ ગમે તે વ્યક્તિનો સમાવેશ થતોના અંતરનાં દ્વાર એમની પાસે ઉઘડી જતાં; પોતાની ભૂલની કબૂલાત કરવામાં એવી વ્યક્તિને એક પ્રકારની નિરાંત થતી. અને પૂજ્ય દાદાગુરુશ્રી તરફથી પણ એને એવી મધ્યસ્થ, શાણી અને શક્તિ મુજબની સલાહ કે આજ્ઞા મળતી કે એનું જીવન પલટાઈ જતું. કોઈની કંઈ ક્ષતિ જાણવામાં આવી હોય, અને ક્યારેક એ વ્યક્તિ પૂજ્ય દાદાગુરુશ્રીને પોતાના વિરોધી માનીને તેઓશ્રીનો અવર્ણવાદ કરતી હોય, તો પણ એની એ ખામીનું ઉચ્ચારણ કરવાનું કેવું? ગમે તે વ્યક્તિની ભૂલ એમના સાગર સમા ગંભીર અંતરના ઊંડાણમાં સદાને માટે સમાઈ જતી. મતલબ કે કોઈ પણ પ્રસંગે, કષાયો અને કલેશોને કારણે કર્મબંધન થઈ જાય અને પોતાનો આત્મા હળુકર્મી અને અલ્પસંસારી બનવાને બદલે ભારેકર્મી અને ભવાભિનંદી ન બની જાય એની જ તેઓશ્રી સતત ચિંતા સેવતા અને એ માટે સદા પ્રયત્નશીલ રહેતા. કષાયમુક્તિઃ કિલ મુક્તિરેવ કે સમભાવભાવિ અપ્પા લહેઇ મુર્ખ ન સંદેહો–એ ભગવાન વીતરાગ તીર્થંકરદેવની વાણીને તેમણે બરાબર અંતરમાં ઉતારી હતી. અને તેથી તેઓશ્રીનું જીવન એક સાચા સંતપુરુષનું જીવન બની શક્યું હતું.
જીવનસંબંધી કેટલીક વિગતો
હવે દાદાગુરુશ્રીના જન્મ, માતા-પિતા, દીક્ષા વગેરેની કેટલીક વિગતો જોઈએઃ -
તેઓશ્રી વડોદરાના રહેવાસી હતા. વિ. સં. ૧૯૦૭માં તેઓનો જન્મ થયો હતો. તેઓની જ્ઞાતિ દશા શ્રીમાળી હતી. સંસારી અવસ્થામાં તેઓનું નામ છગનલાલ હતું. (જોગાનુજોગ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પણ વડોદરાના વતની હતા, અને એમનું નામ પણ છગનલાલ હતું.) તેઓ પરિણીત હતા, પણ એમનું અંતર તો સંયમમાર્ગની જ ઝંખના કરતું હતું, એટલે ઘરમાં રહ્યા છતાં તેઓ જળકમળ જેવું અલિપ્ત જીવન જીવવાનો પ્રયત્ન કરતા હતા; અને સંસારી મટી ત્યાગી ક્યારે બનાય, એની રાહમાં હતા. શાહ છોટાલાલ જગજીવનદાસ પણ વડોદરાના વતની હતા. અને એમનું મન પણ વૈરાગ્યાભિમુખ હતું. બે સમાનધર્મી જીવો વચ્ચે સહેજે ધર્મસ્નેહ બંધાઈ ગયો. અને વૈરાગ્યભાવના ઉત્કટ બનતાં, વિ. સં. ૧૯૩૫ની સાલમાં, જ્યારે છગનલાલ અઠ્ઠાવીસ વર્ષની ભરયુવાન વયમાં હતા ત્યારે, બન્ને મિત્રો, પરમપૂજ્યપાદ, શાસનરક્ષક, પંજાબદેશોદ્ધારક, ન્યાયાંભોનિધિ, અજ્ઞાનતિમિરતરણિ આચાર્યદેવ શ્રી ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (પ્રસિધ્ધ નામ શ્રી આત્મારામજી) મહારાજશ્રીનાં ચરણોમાં જઈ પહોંચ્યા. પૂજ્ય આત્મારામજી મહારાજ
શ્રી પુણ્યરિત્રમ્
101
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org