________________
ભાગ ૩
૧૮૭
કહ્યું : ‘હવે આ મૃતદેહને રાતના સમયે સ્મશાનમાં લઈ જવો પડશે. ત્યાં જ તમામ વિધિવિધાનો કરવામાં આવશે. કાલે જ તું ધનવાન બની જઈશ !'
શિવકુમાર આ રીતે કદી સ્મશાનમાં ગયો ન હતો. તેને ભય લાગ્યો. પરંતુ એની પાસે નમસ્કાર મહામંત્ર હતો. તેના પિતાએ એને કહ્યું હતું ઃ “બેટા, જ્યારે તને ભય લાગે ત્યારે આ મંત્રનો જાપ કરજે, આ મંત્ર મહાન વિદ્યા છે.’
શિવકુમાર મૃતદેહ લઈને સંન્યાસીની સાથે સ્મશાનમાં ગયો. એક જગ્યા પસંદ કરીને ત્યાં મૃતદેહ રાખ્યો. મૃતદેહના હાથમાં તલવાર પકડાવી દીધી. શિવકુમારને મૃતદેહ પાસે બેસાડવામાં આવ્યો. સંન્યાસી ત્યાં બેસી ગયો અને મંત્રજાપ કરવા લાગ્યો.
સંન્યાસીના મંત્રજાપથી મુડદામાં વેતાલનો પ્રવેશ થયો. મુડદું સૂતેલું હતું, તે ધીમેધીમે ઊભું થવા લાગ્યું.
શિવકુમાર ભયનો માર્યો કાંપવા લાગ્યો. પરંતુ તે પોતાના મનમાં શ્રી નવકાર મહામંત્રનો જાપ-સ્મરણ કરવા લાગ્યો. મહામંત્રના પ્રભાવથી મુડદું ઊભું થઈ ગયું હતું તે જમીન ઉપર પડી ગયું. ફરી વાર સંન્યાસીના મંત્રજાપથી મુડદું ઊભું થયું. શિવકુમારના જાપના પ્રભાવથી મુડદું જમીન ઉપર પડી ગયું ! સંન્યાસીએ શિવકુમારને પૂછ્યું : ‘તું કોઈ મંત્ર જાણે છે ? મંત્રજાપ કરે છે ?' શિવકુમારે પોતાનું માથું હલાવીને ના પાડી દીધી.
સંન્યાસીએ ત્રીજી વાર મંત્રજાપ શરૂ કર્યો. મુડદું ઊભું થઈ ગયું; પરંતુ શિવકુમારના મંત્રજાપના પ્રભાવથી જમીન ઉપર પડી ગયું. મુડદામાં પ્રવેશેલો વેતાલ ક્રોધાયમાન થયો. તેણે તલવારથી સંન્યાસીના બે ટુકડા કરી નાખ્યા. સંન્યાસીનું શરીર સોનું બની ગયું ! એ શિવકુમારે જોયું ! વેતાલ મુડદામાંથી નીકળી ચાલ્યો ગયો.
શિવકુમાર સોનું કાપી કાપીને પોતાને ઘેર લઈ ગયો ! તે શ્રીમંત બની ગયો. નમસ્કાર મંત્રનું એને ફળ મળ્યું.
આ દૃષ્ટાંત ઇહલૌકિક ફળની પ્રાપ્તિના વિષયમાં છે, હવે પારલૌકિક ફળના વિષયમાં એક દૃષ્ટાંત આપીને પ્રવચન પૂર્ણ કરીશ.
મથુરા નગરીમાં જિનદત્ત નામનો એક શ્રાવક રહેતો હતો. જિનદત્ત શ્રાવક દયા, દાન, દક્ષતા આદિ ગુણોથી શોભાયમાન હતો. તેની પાસે ધનસંપત્તિ અને વૈભવ પણ પુષ્કળ હતાં. શ્રીનમસ્કાર મંત્રનો પ્રતિદિન જાપ કરતો હતો. પરમાત્મા જિનેશ્વરદેવનો પૂજક હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org