________________
૧૬૦
શ્રાવકજીવન ૪. દીપા દ્રષ્ટિ :દીપ્રા દૃષ્ટિમાં યોગાંગ તરીકે પ્રાણાયામનું સ્થાન છે. દીપકના પ્રકાશની જેમ આ વૃષ્ટિમાં દર્શન સ્પષ્ટ અને સ્થિર હોય છે. છતાંય જેમ હવાના ઝોંકાથી દીવો બુઝાઈ જાય છે, તેમ તીવ્ર મિથ્યાત્વના કારણે આ દર્શન - આ સમજણ પણ નષ્ટ થઈ શકે છે.
પ્રાણાયામ'ની યૌગિક ક્રિયાથી આ દ્રષ્ટિમાં શારીરિક અને માનસિક સ્થિરતા સાંપડે છે. “ભાવ-પ્રાણાયામની શરૂઆત પણ થઈ જાય છે.
रेचनाद् बाह्यभावनामन्तर्भावस्य पूरणात् ।
कुंभनान्निश्चितार्थस्य प्राणायामश्च भावतः ।। બાહ્ય ભાવોનું રેચન, આંતરભાવોનું પૂરણ અને નિશ્ચિત અર્થબોધનો કુંભક - આ છે ભાવ-પ્રાણાયામ.
પ્રસ્તુત ભાવ-પ્રાણાયામ ઉપર જે સાધકનો અધિકાર હોય છે, એ સાધક નિઃશંકપણે પોતાના પ્રાણ કરતા પણ ધર્મ ઉપર વધારે પ્રીતિ અને શ્રદ્ધા રાખે છે. એ ધર્મ માટે પોતાના પ્રાણોની બાજી પણ લગાવી દે છે, પણ ક્યારેય પ્રાણોને બચાવવા માટે ધર્મનો ત્યાગ કરતો નથી !
આ દ્રષ્ટિમાં સાધક યમનિયમોનું ભલી પ્રકારે પાલન કરે છે. બાધા કે સંકટ આવતાં એ વ્રતપાલનથી પલાયન કરતો નથી કે મોઢું ફેરવી લેતો નથી ! આ દ્રષ્ટિમાં સાધક પોતાનાં ચારિત્રનો વિકાસ તો કરે છે, પણ પૂર્ણરૂપેણ આત્મજ્ઞાન પામી શકતો નથી! એ બાહ્ય પદાર્થોની ક્ષણિકતા અને સાંસારિક સુખોની અનિત્યતાના મર્મને જાણે છે, ઓળખે છે માટે એ જગત, આત્મા, પુણય-પાપ વગેરે તત્ત્વોના વિષયમાં વધુ જ્ઞાન મેળવવા જ્ઞાની ગુરુજનો, મુનિઓની પાસે જવા માટે ઉત્સુક રહે છે. છતાંય મિથ્યાત્વના કારણે એ વધારે કર્મક્ષય કરવા માટે સક્ષમ નથી નીવડતો. આ દ્રષ્ટિ પણ મિથ્યાત્વથી પ્રભાવિત હોય છે.
આ દૃષ્ટિઓ - પ્રસ્તુત ચાર વૃષ્ટિઓ યોગદૃષ્ટિ હોવા છતાં પણ મિથ્યાત્વની અસરથી ગ્રસ્ત હોય છે. માટે ધાર્મિક વ્રતનિયમ અનુષ્ઠાનોનું યથાવિધિ પાલન કરવા છતાંય સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. તત્ત્વજ્ઞાનની જે કંઈ ઝાંખી થઈ હોય છે તે અસ્પષ્ટ હોય છે.
ટૂંકમાં, આ ચારે દૃષ્ટિઓ મિથ્યાત્વ અવસ્થાની છે. આ અવસ્થાઓમાં જીવ યમ, નિયમ અને અન્ય ધાર્મિક અનુષ્ઠાનોનું વિધિવત્ આચરણ કરે છે. એનાથી એ શાંત, ભદ્ર, વિનીત, મૃદુ અને ચારિત્રસંપન્ન અવશ્ય બને છે. ક્રમશઃ મિથ્યાત્વને ઓગાળતા ઓગાળતા અધ્યાત્મસાધનામાં અગ્રેસર બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org