________________
(૧૭)
તા. ૨૯-૧૨-૮૮
નંદિગ્રામ આત્મીય ભાઈ,
પત્ર મળ્યો છે. ભજન-કેન્દ્રનું માળખું ગોઠવાતું જાય છે. મેં તો મારા સ્વપ્નાની ભજન–વિદ્યાપીઠ તરીકે જ તેનો પાયો નાખવાનું નક્કી કર્યું છે. એક સરસ જાણકાર મિત્ર મળી ગયા એટલે હિંમત કરી. શ્રી નટુભાઈ જોષી અમરેલી પાસે ચલાલા ગામના છે. ત્રણેક માસમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ભજનોનું તંત્ર ઉપાડી લેશે. ઘણા ભજનિકોના પરિચયમાં છે. થોડા દિવસ પહેલાં જ પત્ર છે કે રામાયણી ને ભજનિક અમરદાસ ખારાવાળા મહા મહિનામાં આવવાના છે તેમણે કહ્યું છે : “૧૦૦૦ ભજન મારી પાસે છે. દરેકના રાગ શુદ્ધ, પાઠ શુદ્ધ તૈયાર છે અને હું નંદિગ્રામ રોકાઈ ચર્ચા કરી બધું જ આપી દઈશ.' આવા બીજા ભજનોના ભંડારીની વાતો લખીશ તો આ પત્ર એનાથી જ ભરાઈ જશે. આદિવાસી વચ્ચે કામ કરનારા અશ્વિન રાવળ પણ એવા જ સોનાની ખાણ જેવા મળી આવ્યા.
હવે મૂળ મુઠ્ઠી ચોખાની વાત. હસુભાઈએ નવા ટ્રસ્ટનો મુસદ્દો મોકલ્યો પણ નવું ટ્રસ્ટ ન કરવાની સલાહ મળે છે. નંદિગ્રામના પેટા વિભાગ નીચે જ આ પ્રવૃત્તિ શરૂ થાય એવો મિત્રોનો આગ્રહ છે. મારી પણ એવી જ ઇચ્છા છે. શ્રી હરિભાઈ પંચાલ આવેલા. તેમણે આર્થિક બાબતની ચિંતા ન કરવાનો સધિયારો આપ્યો. હસુભાઈને આ પ્રવૃત્તિ માટે મદદ મળી શકે તો લખવા સૂચવ્યું ને પત્ર તેમની સાથે જ રવાના કર્યો. ઑફિસિયલ ને ઔપચારિક લખતાં ન આવડે પણ મહામાત્રશ્રીને સંબોધી લખ્યું છે. અધ્યાપક માટે નિવાસ અને કેસેટ સંરક્ષણ જેટલી જોગવાઈ હાલ પૂરતી થઈ જાય તો કેન્દ્રની સ્વતંત્ર માંડણી કરી શકાય. તમે આ દિશામાં કેમ આગળ વધી શકાય એ જરા જોશો. કુશળ સંચાલક મળ્યા છે, ભજન-ગાયકો અસલવારાના વારસદાર જેવા છે ને કાચો માલ સારો એવો તૈયાર છે. આપણે તેમને માથે છાપરું ને મુઠ્ઠી ચોખા આપી શકીએ તો એક જ જગ્યાએ ભર્યો ભંડાર એકઠો થઈ શકે. રેકોર્ડિંગ માટે પણ અદ્યતન સાધનો વસાવ્યાં હોય તો મૂળને વફાદાર મસાલો જાળવી શકાય.
૨૪
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org