________________
(૧૫૫)
૨૩ માર્ચ ૯૯
નંદિગ્રામ આત્મીય ભાઈ,
ભાઈ વિજય સાથે મોકલેલ પત્ર મળ્યો. હજી માંદગીના ઓળા પરેશાન કરે છે પણ તમે લખો છો તેમ હરિકૃપા અને મનોબળથી એ દૂર થશે. ભરતી કે ઓટ, આપણો તરાપો તરતો રહે છે. હમણાં “સાવિત્રી-વિદ્યા’ વિષે શુક્લ યજુર્વેદના કેટલાક મંત્રોને કેન્દ્રમાં રાખી લખ્યું. મેં આ અંગે તમને લખ્યું છે. વિજય જેવા મિત્રો મળે તો આ પ્રકારનું કામ જરા વેગથી થઈ શકે. સોનાની ખાણો પડી છે ને ખોદકામ કરનારા મજૂરો નથી મળતા. એનો યે સમય પાકશે ત્યારે બોલાવવા નહીં પડે.
આજે સવારે સેમિનારનો પ્રારંભ થયો. થોડું કહ્યું તેમાં એક સાખી યાદ આવી તે તમને સંભળાવું ?
સુરતિ શબદ બિચ અંતરા
એની ઘર મેં હાણ ધોરી બિચ બુંબિ પડે
તો ક્યારી સૂકી જાણ ?' શબ્દ અને શબ્દ સાથે જોડાયેલી તલ્લીનતા, એકાગ્રતા વચ્ચે છેટું પડી જાય તો વાણી નિષ્ફળ જાય. દાખલો આપે છે કે કોશ ગમે તેટલો ચાલતો હોય પણ વચ્ચે ધોરિયામાં રાફડી પડી હોય તો તે પાણીને શોષી લે છે, પાણી ક્યારા સુધી પહોંચતું નથી અને મોલ ઊગતો નથી. પોતાના કર્તવ્ય પરત્વેની નિષ્ઠા અને જાગૃતિ વિના ખળું પાકતું નથી અને ઘર અભરે ભરાતું નથી. પ્રમાદ એ જ ઊંઘ છે.
હમણાં વળી કવિતા પ્રસન્ન છે. સવાર અને સાંજ ખુશનુમા. તમને ત્યારે યાદ કરું છું. વળી બપોરે તાપ આકરો થાય ત્યારે ન આવ્યા તે સારું કર્યું, એમ થઈ આવે અને એ પણ યાદનો જ પ્રકાર.
મારા અક્ષરો બગડતા જાય છે. મોતીના દાણા, હવે મોરપગલાં થવા લાગ્યાં, યૂ બી સહી. પણ વાચનારને તકલીફ પડે એ વિચારે સહી કરવાનું મન થતું નથી. તબિયત જલદી સારી થાય એ માટે પ્રાર્થના. ચન્દ્રકળાબહેનને વંદન.
– મકરન્દ સેતુબંધ
૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org