________________
(૧૫૧)
૨૦-૨-'૯૯
નંદિગ્રામ આત્મીય ભાઈ,
તમારા પત્રની હું રાહ જોતો હતો. તમારા પત્રમાં હતું અને ભરતભાઈએ પણ કહેલું કે તમે મુંબઈથી વળતાં નંદિગ્રામ આવશો. હવે તબિયત સાથ આપે એમ નથી એવો વાયરો આવ્યો. મારા મનમાં હતું કે તમે તથા ચન્દ્રકળાબહેન થોડા દિવસો અહીં રહો. અહીંના શાંત વાતાવરણ, ચોખ્ખાં હવા-પાણી, તાજાં શાક-ભાજી અને વળી ગવરી ગાયના દૂધ-માખણથી તબિયતમાં તેજ પૂરો. સીધા અમદાવાદ જશો તો વળી દયણું ચડ્યું હશે, તે તમને જંપવા નહીં દે અને દળવા બેસી જશો. થોડું વજન વધારવા માટે અહીંનો ટપ્પો ખાઓ તો સારું. પણ તબિયત ના પાડતી હોય તો આગ્રહને સ્થાન નથી.
તમે કશું ચિંતાજનક નથી એ લખ્યું તેથી મન હળવું થયું. મારું ગાડું યે રગડ-ધગડ પણ ઊથલી ન પડે એમ ચાલે છે. યજુર્વેદની “સાવિત્રી વિદ્યા' વિષે લખ્યું. “અશ્વમેધ' તો પૂરું થઈ ગયું. ભરતભાઈએ સારી મદદ કરી. હવે તો હાથ-વાટકો હોય તો જ ચોપડા ઉપાડવા ને ચોપડા ચીતરવાનું બને છે. કાવ્ય તો ઊડતાં પંખીની જેમ આવે ને જાય. “ઉદેશમાં તમારા સંભારણાંએ જગાડેલું ગીત જોયું હશે.
ચાલો ત્યારે, શક્ય હોય તો ઊતરી પડશો. સામે લેવા આવવાની વ્યવસ્થા થઈ શકશે. પછી તો હરિ-ઇચ્છા. કે પછી હરિના વલ્લભની યે ઇચ્છા. બહેનને વંદન. ઉત્પલનો માળો કલ્લોલતો હશે.
-મકર
સેતુબંધ
૨ ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org