________________
(૬૬)
૬ સપ્ટેમ્બર ૧૯૯૪
નંદિગ્રામ આત્મીય ભાઈ,
- તમારાં બંને પતાકડાં મળ્યાં છે. એક ચતુર્માસી ભાગવતકથા'નું ઓફ પ્રિન્ટ પણ મળ્યું. અબોલારાણીની બીજી આંતરકથામાં તમે મોકલેલો શ્લોક રંગ રાખી ગયો. એ વિના લેખ પેલા ગૌરીશંકરની લીલા કેવી રીતે દર્શાવી શકત ? મહેનત પડી હશે પણ લેખે છે એટલે મને મહેનત કરાવ્યાનો વસવસો ઓછો થાય છે.
ભાગવતકથાના ભટ્ટજી તાદૃશ્ય થઈ ગયા. એ જમાનાનું વાતાવરણ પણ આબેહૂબ જામ્યું. જૂની પેઢીના ઘણાએ આવા “દામોદર ભટ્ટ' કે “હરિરામ મહારાજને જોયા હશે. તેની ભોળી ને નિર્મળ છબી અંતરમાં સાચવી રાખી, હશે. પેલા બાવાજી પણ બે લસરકે જીવતા થઈ ગયા છે. એ જમાતના મેં જોયેલા જણ તરવરવા લાગ્યા. આવા જૂનાણાના વતનીને જગાડતા રહેશો.
“ઉદ્દેશ મળ્યું. અબોલા સારી રીતે ગોઠવાઈ ગયાં. મેં રમણભાઈને લખ્યું છે. સળંગ કોશ જોડ્યો છે તે આગળ ચલાવી શકે તો સારું. હા ભણે તો બીજો હપ્તો પહોંચાડી દેશો. હવે મારું ગાડું યે વચ્ચે માંદગીના ગાળા પછી દોડતું થયું છે.
પહેલાં તો દાઢકથા લાંબી ચાલી. ત્યાં “હેવી ઇન્ટેક્સન (કીડનીબ્લેડર); એમાં નિવારણ માટે હોસ્પિટલનો મહેમાન થઈ આવ્યો. ત્યાં કીડનીબ્લેડર- સોજો આવી ચડ્યો. હવે એણે ય રજા લીધી ને કલમ હાથે. ભરતભાઈ આવી ગયા તે દળવા બેસાડ્યા. સૂફી કથાનો અનુવાદ તેમણે કરી આપ્યો. મનમાં બધું તૈયાર છે. ચાકડો ચલાવું ને ઘાટ ઊતરે એટલી વાર; વળી વચ્ચે કોઈ “પંડનાં સગાં ન આવી ચડે તો.
અહીં વરસાદ ૧૫૦ ઇંચ સુધી પહોંચી ગયો. વચ્ચે વરાપનું નામ નથી. વરસે ત્યારે ચોધાર ને નહીં ત્યારે ધાબડ. ક્યારેક સવારમાં ટેરો હટે છે ને સૂરજ મહારાજનાં સોનેરી દર્શન થાય છે. ચારે તરફ “લીલું લીલું છમ'– લશ ગ્રીન'. ચાલો એની લીલામાં આનંદ. તબિયત સાચવશો. અવકાશે જરૂર લખશો, દાદીમાની કોઈ કહેવત સાથે.
-મકરન્દ સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org