________________
(૫૧)
૪ જૂન ૧૯૯૪
નંદિગ્રામ આત્મીય ભાઈ,
| વિક્રમ રાજાએ રાત્રીના પહેલા પહોરે માંડેલી વાર્તા પૂરી કરી. અબોલા રાણીએ પ્રત્યુત્તર આપ્યો. પહેલો પડદો હટાવ્યો. અને આ તમને લખવા બેસી ગયો. ભરતીનું પહેલું મોજું માથું તરબોળ કરી પસાર થયું. બીજું અંદર ઘૂઘવે છે તે ઉછાળો મારે તે પહેલાં જરૂરી વિગત લખી નાખું.
શામળની ‘સિંહાસન બત્રીસી', મધ્યકાલીન ગુજરાતી કથાકોશ અને અને તમે લખેલી કથાની ટાઈપ-નકલ–બધું મળ્યું. મને ઘણો ટેકો મળ્યો. મેં મધ્યકાલીન કથામાં પગપેસારો કર્યો છે તે જાણી બળવંત જાનીએ પણ કથાકોશ મોકલ્યો. (ઉદ્દેશ–પત્રનો પ્રભાવ ?)
તમારો પત્ર પણ મળ્યો. “સ્વામી અને સાંઈ એ એક વાગ્યા સુધી ઉજાગરો કરાવ્યો ! કવિજીવ તો ચિંતા કરવાને બદલે કહી ઊઠે ‘લો, આનું નામ આત્માનું એકત્વ યાને અભિન્ન હૃદયનો આવિષ્કાર.” વેદાંતના જ્ઞાની પંડિત એને અદ્યતનો સાક્ષાત્કાર ગણાવે. પણ સવારે શરીર ઊઠવાની ના પાડે ત્યારે આવા આવિષ્કાર, સાક્ષાત્કાર કેવા મોઘા છે તેની ખબર પડે. ફિકર નહીં. આનંદ આવ્યો તો ઉજાગરાનો ધજાગરો માથે.
મને થાય, ઉજાગરાને બિચારાને એકલું લાગતું હશે તો “ઉજાગરીને તમ પાસે મોકલી આપું. નાનકી મુક્તકની માળા છે. બૂક-પોસ્ટ કરું છું. નજર નાખી જશો.
- ભરતભાઈ ત્યાં આવ્યા છે મળશે. અહીંની દાસ્તાન કહેશે. મારી તબિયત અફીણી દરબાર જેવી છે. ડેલીએ બેસી ઝોલાં ખાય પણ બુંગિયો વાગે કે સન્ કરતી તલવાર કાઢી તૈયાર થઈ જાય. આમ તમારે ધીંગાણાનો મારા પર ભાર વધશે તેનો ભાર રાખ્યા વિના આવી કથાઓના કારભાર કરતાં રહેવા. મને તો રાણકીવાવનું પાતાળ–જળ પીવા મળ્યું હોય એવી કોઠે ટાઢક થઈ.
લ્યો તારે. મારે તો ચોગઠું છે પણ શામળની બત્રીસી છે એવી સાબૂત રાખી સવેળા મોકલી આપીશ. સહુને સ્નેહ. ઇશા સ્નેહ-વંદન પાઠવે છે.
મકરન્દ ૭૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org